ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે. યુદ્ધમાં બંને તરફથી ભારે તબાહી મચી ગઈ છે. દુનિયા બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. અમેરિકા ખુલ્લેઆમ આ જંગમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈરાને ફરી એકવાર અમેરિકાને ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લહાનિયાએ કહ્યું છે કે જો ઈઝરાયેલી સરકાર ગાઝામાં પેલેસ્ટાઈનીઓના નરસંહારને ચાલુ રાખશે તો તેની આગથી અમેરિકા પણ બચશે નહીં.
તેમણે કહ્યું કે, હું અમેરિકી સરકારને કહેવા માંગુ છું જે પેલેસ્ટાઈનમાં નરસંહારની દેખરેખ કરી રહી છે. અમે પ્રદેશમાં યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ જો ગાઝામાં નરસંહાર ચાલુ રહેશે તો અમેરિકા પણ આ આગથી બચશે નહીં. અમેરિકાએ શાંતિ અને સલામતી માટે કામ કરવું જોઈએ અને લોકોને યુદ્ધની આગમાં ન ફેંકવા જોઈએ. ગાઝા પર હુમલો કરવા માટે રોકેટ, ટેન્ક અને બોમ્બ મોકલવાને બદલે અમેરિકાએ આ નરસંહારનું સમર્થન કરવાનું બંધ કરી દેવું જોઈએ. અમેરિકા ત્રણ અઠવાડિયા કરતા ઓછા સમયમાં 7000થી વધુ નાગરિકોની હત્યાનો તમાશો જોઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસ ઇઝરાયેલ સરકારને આર્થિક અને રાજકીય રીતે સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વિશેષ બેઠક દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લહાનિયાએ આ નિવેદન આપ્યું હતું.