રખડતાં ઢોરને લઇને હાઇકોર્ટે રાજય સરકારના કાન ખેંચ્યા પછી સરકારે કડકાઇ દાખવતાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. રાજયના શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સાથે અઠવાડિયામાં એક વખત વીડિયો કોન્ફરન્સથી રિવ્યુ મિટીંગ અને દરરોજ ફોટોગ્રાફ અને આંકડાકીય માહિતી સાથેનો ડે ટુ ડે રિપોર્ટ રજૂ કરવાની તાકિદ કરી છે.
આ ઉપરાંત રખડતાં ઢોરોને ઢોરવાડા-પાંજરાપોળ મુકીને સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઇડલાઇનનો સખ્તાઇથી અમલ કરવાનો રહેશે. આ સાથે રોડ પરના ગેરકાયદેસર દબાણ,ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવું તેમજ ખરાબ રસ્તા સત્વરે રિપેરિંગ કરવાની તમામ મ્યુ.કમિશનર અને નગરપાલિકાઓના ચીફ ઓફિસરો આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલમાં રખડતા ઢોર,ટ્રાફિક,ગેરકાયદેસર પાર્કિગ અને દબાણ,ખરાબ રસ્તા બાબતે નામદાર હાઇકોર્ટે સખત નારાજગી વ્યકત કરી હતી. જેના પગલે રાજય સરકારે રખડતા ઢોરોના નિયંત્રણ માટે એક ગાઇડ લાઇન બહાર પાડી હતી અને તેનો કડક અમલ કરીને અસરકારક કામગીરી કરવાનો આદેશ આપ્યો હતો. આ કામગીરીની દર અઠવાડિયા વિડીયો કોન્ફરન્સના માધ્યમિકથી અગ્રસચિવ સમિક્ષા કરશે. ઉપરાંત દરરોજ રાજય સરકારના શહેરી વિકાસ વિભાગને ગુગલ શીટમાં ફોટોગ્રાફસ અને આંકડાકીય માહિતી અપલોડ કરવાની પણ કડક સૂચના આપવામાં આવી છે. જેથી કરીને રીએલ ટાઇમ મોનીટરીંગ થશે.