દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં લોકોને ખરીદી માટે ભીડ થઈ રહી છે એક તરફ લોકોની ભીડ થઈ રહી છે ત્યારે બીજી તરફ મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં રોડ ઉપર આડેધડ ઉભા રહી જતા લારી ગલ્લા અને પાથરણા વાળાના અસહ્ય ત્રાસથી લોકો પીડાઈ રહ્યા છે. અને ટ્રાફિકજામ સહિતનો સામનો પણ કરી રહ્યા છે.
દિવાળીના તહેવારોમાં દરેક નાના મોટા વેપારીને ધંધો કરી રોજગારી મેળવવાની હોય છે. અને તેની સામે કોઈને વાધો પણ ન હોય પરંતુ અન્ય લોકોને નડતરરૂપ બની હેરાન પરેશાન કરી ધંધો કરવામાં આવે ત્યારે તેની સામે પગલાં લેવા પણ અનિવાર્ય બની રહે છે.
શહેરના ઘોઘાગેટ ચોકથી લઈને એમ.જી રોડ પર ખારગેટ સુધી રોડની બન્ને તરફ સવારથી જ લારી અને બાકડા તેમજ પાથરણા વાળા ગોઠવાઈ જાય છે. આ ઉપરાંત પીરછલ્લા શેરી, વોરાબજાર, ગોળબજાર તેમજ ગંગાજળીયા તળાવ, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં સવારથી જ લારી, બાકડા અને પાથરણા વાળા રસ્તા પર કબ્જો જમાવીને બેસી જતા હોય છે. પરિણામે દુરના વિસ્તારમાંથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને પહેલાતો પોતાનું વાહન ક્યાં મુકવુ તે પ્રશ્ન ઉભો થાય છે. અને ગમે તેમ જગ્યા કરી વાહન મુકી તે ખરીદી કરવા જાય છે. ત્યારે બીજા કોઈ આવી વાહન આઘુપાછુ કરી પોતાનું વાહન મુકે પરિણામે સફેદ પટ્ટાથી વાહનનુ વ્હીલ બહાર નિકળે એટલે ટોઇગ વાન આવી અને વાહન ટોઇગ કરી જાય. વાહન માલિક પરત આવે અને તેને પોતાનું વાહન ટોઇગ થયાનુ જણાય એટલે ૬૩૦ ભરી વાહન છોડાવવાનુ. આમ સામાન્ય માણસને બજારમાં આવવુ મોઘુ અને ત્રાસ દાયક બને છે.
દિવસ દરમિયાન તો બજારમાં ગિર્દી રહે જ પરંતુ સાજ પડતા જ ઘોઘાગેટ ચોકથી પીરછલ્લા શેરી સુધીનો રસ્તો તો જાણે કે ફ્રુટ માર્કેટ હોય તેવા દ્રશ્યો હોય છે. અને દરરોજ સાજ થી રાત્રી સુધી ટ્રાફિક જામ રહેલો હોય છે અને લોકોને પસાર થવામાં ૨૦ મીનીટથી લઈને અડધા કલાક જેવો સમય થઈ જાય છે.
આવી જ પરિસ્થિતિ પીરછલ્લા શેરી, વોરાબજાર, ગોળબજાર, હેવમોર ચોક તથા શાકમાર્કેટની હોય છે. મ્યુ. કમિશ્નર દ્વારા દબાણ હટાવવામાં આવે છે. પરંતુ બીજા જ દિવસથી ફરી પરિસ્થિતિ જેસેથે થઈ જાય છે. ત્યારે તહેવારોની સિઝનમાં દરેક લોકો ધંધો કરે પરંતુ કોઇને નડતરરૂપ થાય તે રીતે ઉભા રહેવુ યોગ્ય નથી અને આવા લોકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા પણ સામાન્ય લોકોની માગ ઉઠવા પામી છે.
લાખો રૂપિયાના માલનો સ્ટોક કરનાર દુકાનદારો પણ પરેશાન
બજારમાં રસ્તાઓ પર ઉભા રહી વેપાર કરતા લારી, બાકડા અને પાથરણા વાળાઓથી દુકાન ધરાવતા વેપારીઓ પણ પરેશાન થઇ રહ્યા છે. દિવાળીના તહેવારોમાં ધંધો કરવા માટે લાખો રૂપિયાનો માલ ભર્યો હોય પરંતુ ગ્રાહક દુકાનમાં આવી શકે તેવી જગ્યા જ ન હોય ગ્રાહક બીજે ચાલ્યો જાય પરિણામે દુકાનદારો ધંધો કરી શકતા નથી અને લારી વાળાઓને થોડી દુર રાખવાનુ કહેવાય તો તેઓ વેપારી સાથે ઝઘડો કરતાં હોવાનું પણ કેટલાક વેપારીઓએ જણાવેલ. ચેમ્બર દ્વારા પણ વેપારીઓની મુશ્કેલી અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવા માગ ઉઠવા પામી છે.