ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર,ખખડધજ રસ્તા સહિતના લોકપ્રશ્ને સરકાર પર તડાફડી કર્યાં બાદ આખરે મહાનગરોમાં મહાપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે જેના પગલે ભાવનગરમાં પણ મ્યુ. તંત્રએ સફાઇ અને રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી તથા દબાણ હટાવની કાર્યવાહીની ગતિ વધારી છે આજે સવારે સાતના ટકોરેથી કોર્પોરેશનની ટીમ કમિશ્રરના નેતૃત્વમાં ઢોર પકડવા નીકળી પડી હતી અને સુભાષનગર, એરપોર્ટ રોડ, ઘોઘાસર્કલ, અખિલેશ શાકમાર્કેટ, રજુપતવાડા અને આંબાવાડી સહિતના વિસ્તારોમાંથી બપોર સુધીમાં ૪૮ ઢોર પકડીને ડબ્બે પુર્યા હતા. આમ ભાવનગરમાં ઢોર પકડવાની કામગીરી અને દબાણ હટાવ કામગીરી તેજ ગતી પકડી છે. પરંતુ હજુ ખખડધજ રસ્તાઓની Âસ્થતિ યથાવત છે. ભાવનગરમાં સ્ટેન્ડીંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન રાજુ રાબડીયાની હૈયાધારણા પણ આ મામલે બોલબચ્ચન સાબિત થઇ છે ત્યારે શહેરમાં રસ્તા સુધારણાની કામગીરી ઝડપી કરવા લોકમાગ ઉઠી છે.
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ભાવનગર મહાપાલિકાની ટીમ ફરી સક્રીય થઈ છે અને રખડતા ઢોર પકડવાની કામગીરી ઝડપી બનાવી છે, જેના પગલે ગત બે દિવસમાં ૮ર રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરી દીધા છે. મનપાના કેટલાક અન્ય વિભાગના કર્મચારીઓના ઓર્ડર કરી પશુ ત્રાસ નિયંત્રણ વિભાગમાં જવાબદારી સોંપાઇ છે. મહાપાલિકામાં રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થતા કામગીરી ધીમી થઈ ગઈ હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ભાવનગર મહાપાલિકાએ ફરી રખડતા ઢોર પકડવાની કામગીરી તેજ કરી છે. બુધવારે મહાપાલિકાની ટીમે સુભાષનગર, એરપોર્ટ રોડ, મહિલા કોલેજ સર્કલ, આંબાવાડી, ઘોઘા રોડ વગેરે વિસ્તારમાંથી ૪૦ રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરી દીધા હતાં. મંગળવારે પણ વિવિધ વિસ્તારમાંથી ૪ર રખડતા ઢોર પકડયા હતાં. આમ ગત બે દિવસમાં ૮ર રખડતા ઢોર પકડયા છે તેથી પશુઓને છુટા મુકી દેતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યાં આજે સવારથી જ ઢોર પકડ અભિયાનને વધુ તેજ બનાવી બપોર સુધીમાં ૪૮ પશુઓને પકડીને ડબ્બે પુરવામાં આવ્યા હતા જ્યારે આજે નાઈટ રાઉન્ડમાં વધુ કેટલાક પશુઓને પકડીને ડબ્બે પુરવા કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યુ છે.
૧૦ પશુપાલકોએ લાયસન્સ મેળવવા મહાપાલિકામાં અરજી કરી
હાઈકોર્ટની ફટકાર બાદ સરકારની સુચનાના પગલે ભાવનગર શહેરમાં પણ પશુ ત્રાટ અટકાવ અને નિયંત્રણ માર્ગદર્શિકા ૨૦૨૩ના અમલ માટે તાજેતરમાં સાધારણ સભામાં મંજુરીની મહોર લાગ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યુ છે બીજી બાજુ પશુપાલકો પણ કાયદાના અમલ માટે તૈયાર થતા ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૦ પશુપાલકોએ પશુઓ રાખવા અને તેના વ્યવસાયીક ઉપયોગ માટે લાયસન્સ મેળવવા મહાપાલીકામાં અરજી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે પશુ રાખવા પરમીટ લેવાની રહે છે જ્યારે વ્યવસાયીક ઉપયોગ માટે પશુ રાખવાલ લયાસન્સ મેળવવાનું રહે છે. જે મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.