અમદાવાદ જિલ્લાના વિરમગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા વેપારીને રૂપિયાના બદલામાં ડોલર આપવાના બહાને તળાજા બોલાવી બે શખ્સ ડોલરના બદલે કોરા કાગળનું બંડલ પકડાવી દઈ વેપારીના હાથમાંથી રૂપિયા પાંચ લાખ રોકડા ઝૂંટવી લઈ બાઈક ઉપર ફરાર થઈ જતા વેપારીએ બંને શખ્સ વિરુદ્ધ તળાજા પોલીસ મટ્રકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલ દલવાડી ફળીમાં રહેતા અને સીટી મહેલ કોમ્પ્લેક્સમાં જીગ્નેશભાઈ રમેશચંદ્ર પટેલ સાથે શ્રી ગણેશ ટ્રેડિંગ નામની કરિયાણાની દુકાન ભાગીદારીમાં ચલાવતા વિજયભાઈ ઘનશ્યામભાઈ કણજારીયા એ તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧/૧૧ ના રોજ વિજયભાઈ અને તેમના ભાગીદાર જીગ્નેશભાઈ તેમની દુકાને હાજર હતા તે દરમિયાન જીગ્નેશભાઈના મોબાઇલમાં તેમના સંબંધીનો ફોન આવેલ અને રૂપિયાના બદલામાં ડોલર બદલી કરી આપતા વ્યક્તિ સાથે ઓળખાણ હોય તમારે ડોલર જોઈતા હોય તો કહેજો.
આ વાત જીજ્ઞેશભાઈએ વિજયભાઈને જણાવતા વિજયભાઈએ ડોલર ખરીદવામાં રસ પડ્યો હતો અને જીજ્ઞેશભાઈએ ભાવનગર પાર્ટીને મળવા જવાનું થશે તેમ વાત થયા બાદ ગઈકાલે મનોજ વિજયભાઈ અને તેમના ભાગીદાર જીગ્નેશભાઈ કારમાં ભાવનગરની નારી ચોકડી આવી પહોંચ્યા હતા અને ત્યાં જીગ્નેશભાઈના સંબંધીએ આપેલ ઓળખાણ વાળા ભાઈ પોતે જયદીપભાઇ હોવાનું જણાવેલ અને ડોલર માટે તમારે તળાજા જવું પડશે તેમ કહેતા મનોજભાઈએ તેમને પણ તળાજા સાથે આવવાનું કહેતા ત્રણે જણા તળાજામાં આવેલ એપીએમસી સામે પહોંચ્યા હતા જ્યાં જયદીપભાઇએ હમણાં થોડી વાતમાં નાસ્તો કરીને આવું છું અને અડધો કલાકમાં પંકજભાઈ નામના વ્યક્તિ ડોલર લઈને આવશે ત્યારે આપણે એક્સચેન્જ કરી લઈશું તેમ કહીને જતા રહ્યા હતા.
લગભગ દોઢ કલાક સુધી જયદીપભાઇ કે તેને જણાવેલ પંકજભાઈ ન આવતા વારંવાર ફોન કર્યા બાદ એક માણસ આવ્યો હતો અને પોતે પંકજભાઈ હોવાનું જણાવી કારની અંદર બેસીને ખિસ્સામાંથી કાળી કોથળી કાઢી ડોલરની નોટ બતાવી હતી અને કહ્યું હતું કે આ જગ્યા સલામત નથી અહીં પોલીસ આટા મારતી હોય તેવું લાગે છે તમે થોડા આગળ જતા રહો તેમ કહેતા વિજયભાઈ અને જીગ્નેશભાઈ કાર લઈને હાઇવે ઉપર આગળ વધ્યા હતા. દરમિયાન જયદીપભાઇ અને પંકજભાઈ પાછળ મોટરસાયકલ લઈને આવ્યા હતા અને પુલ નજીક કાર ઊભી રખાવી હતી અને પંકજભાઈ નામના શખ્સે રૂપિયા બતાવવાનું કહેતા વિશાલભાઈએ થેલામાંથી રૂ. પાંચ લાખ રોકડા બહાર કાઢતા પંકજભાઈએ તેમને કાળા કલરની કોથળી આપી અને કહ્યું હતું કે આ ડોલર ચેક કરી લ્યો તેમ કહી પંકજભાઈના હાથમાંથી રૂપિયા પાંચ લાખની રોકડ રકમનું બંડલ ઝૂંટવી દોડીને જયદીપભાઇની પાછળ મોટરસાઇકલ ઉપર બેસી ગયો હતા અને રફીક તુ ગાડી ભગાવ તેમ કહેતા ખ્યાલ આવ્યો હતો કે આ પંકજભાઈનું નામ રફીક છે. દરમિયાન વિશાલભાઈ અને જીગ્નેશભાઈએ કારમાં તેમનો પીછો કર્યો હતો પરંતુ તેઓ હાથમાં ન આવતા આખરે તળાજા પોલીસને જાણ કરી હતી.
તળાજા પોલીસે રફીક ઉર્ફે જયદીપભાઇ અને પંકજભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૩૯૭ એ ( ૩ ) અને ૧૨૦ બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.