શહેરમાં અત્યંત ગીચ ગણાતા પીરછલ્લા શેરીમાં ગેરકાયદે દબાણો અને પાથરણાવાળાઓના કારણે ગ્રાહકો ચાલીને પણ માંડ પસાર થઇ શકે તેવી Âસ્થતિ છે. આખરે મહાપાલિકા તંત્રએ પીરછલ્લામાં નજર દોડાવી હતી અને ગત સાંજે પ્રથમ એસ્ટેટ વિભાગે દોડી જઇ કાર્યવાહી હાથ ધરતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો આથી કમિશનર ઉપાધ્યાય, ડે.કમિશનર બ્રહ્મભટ્ટ, એસ્ટેટ ઓફીસર એફ.એમ. શાહ સહિતનો કાફલો પહોંચ્યો હતો અને કમિશનરે પ્રેસર ટેકનીક અપનાવતા તત્વોને દાબી દેવા કડકાઇ હાથ ધરી હતી આથી પીરછલ્લાના વેપારીઓમાં સન્નાટો છવાયેલ.
આજે બીજા દિવસે પણ એસ્ટેટ વિભાગની ટીમે ક્રેઇન સાથે પીરછલ્લામાં દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરી હતી. સાથે ઓટલા તોડ અભિયાન પણ ઉપાડ્યું હતું. ખાસ કરીને કોર્પોરેશનની શાળાની દિવાલ પર કબ્જા જમાવનાર તત્વોએ લગાવી દીધેલ ઇંગલો ક્રેઇન વડે ખેંચીને દુર કરાઇ હતી. જ્યારે ટ્રાફિકને અડચણરૂપ રાખવામાં આવેલ ૩ સ્ટેચ્યુ અને એક લારી પીરછલ્લામાંથી જપ્ત કરાયેલ. આ ઉપરાંત વાઘાવાડી રોડ પર બે વાહનને લોક કરી દંડ વસૂલવામાં આવે. જ્યારે માધવહીલની સામે ગાદલાવાળાએ રસ્તા પર ગાદલા સહિતનો સામાન ખડકતા ૩ ગાદલા જપ્ત કરાયા હતાં. આ ઉપરાંત કાળિયાબીડમાં પાંચ લારી, પલંગ, ટેબલ સહિતનો સામાન જપ્ત કરી એસ્ટેટ વિભાગે સપાટો બોલાવ્યો હતો. દિવાળીના પર્વમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવી છે તો બીજી બાજુ પાથરણા અને લારીવાળા નાના વેપારીઓ સામે તવાઇ આવતા રોજગારીના દિવસોમાં જ તંત્રની કાર્યવાહી સામે ચણભણાટ વ્યાપ્યો છે.