સુરક્ષા દળોમાં મહિલા અધિકારીઓની જેમ, મહિલા સૈનિકોને પણ પ્રસૂતિ, બાળ સંભાળ અને બાળકોને દત્તક લેવા માટે રજા અને અન્ય સુવિધાઓ જેવા સમાન લાભો મળશે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવની મંજૂરી બાદ મહિલા સૈનિકો, મહિલા નાવિક અને મહિલા એરમેનને માતૃત્વ, બાળ સંભાળ અને બાળક દત્તક લેવાની પ્રક્રિયા માટે તેમના અધિકારીઓ જેવી રજા અને અન્ય સુવિધાઓ મળશે.
સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું સંરક્ષણ પ્રધાનના નિર્ણય અનુસાર છે, જેમાં સુરક્ષા દળોમાં તમામ મહિલાઓની સમાવેશી ભાગીદારી માટે કહેવામાં આવ્યું છે. આ નિર્ણયથી સેનામાં મહિલાઓની કામકાજની સ્થિતિમાં સુધારો થશે અને તેમને સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન બનાવવામાં મદદ મળશે. અગ્નિવીર મહિલાઓને પણ આ જ સુવિધાઓ મળશે.