વન ડે વર્લ્ડકપ 2023 હવે રોમાંચક સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાએ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે 4 નવેમ્બરે ન્યૂઝીલેન્ડને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. કીવી ટીમે સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે અને તેમના અંતિમ-4માં પહોંચવાનો રસ્તો કઠિન બની ગયો છે.
પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર ન્યૂઝીલેન્ડ છે. પાકિસ્તાને પોતાની 8માંથી 4 મેચ જીતી છે અને પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે. પાકિસ્તાનના 8 પોઇન્ટ (+0.036) થઇ ગયા છે. ન્યૂઝીલેન્ડની ટીમ 8 પોઇન્ટ સાથે (+0.398) ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 10 પોઇન્ટ સાથે મજબૂતીથી ત્રીજા સ્થાન (+0.924) પર છે.
પાકિસ્તાન પ્રાર્થના કરશે કે ન્યૂઝીલેન્ડ પોતાની અંતિમ મેચ શ્રીલંકા સામે હારી જાય. આ સિવાય પાકિસ્તાન ઇચ્છશે કે અફઘાનિસ્તાન પોતાની બાકી રહેલી 2 મેચમાંથી એક મેચ હારી જાય. આ પરિણામની સાથે સાથે પાકિસ્તાને સેમિ ફાઇનલમાં પહોંચવા માટે પોતાની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જીતવું જરૂરી છે. જો તે ઇંગ્લેન્ડ સામે હારી જશે તો સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઇ જશે.
જો ન્યૂઝીલેન્ડ પોતાની અંતિમ મેચને 1 રનના અંતરથી પણ જીતે છે તો સારી નેટ રનરેટ માટે પાકિસ્તાને પોતાની અંતિમ મેચ ઓછામાં ઓછા 131 રનના અંતરથી જીતવી પડશે. જો કીવી ટીમ 50 રનથી જીત મેળવે છે તો પાકિસ્તાને 180 રનથી જીત મેળવવી પડશે. એવામાં ન્યૂઝીલેન્ડની જીત સાથે જ પાકિસ્તાન સેમિ ફાઇનલમાંથી બહાર થવું લગભગ નક્કી બની જશે.
અફઘાનિસ્તાને 7માંથી 4 મેચ જીતી છે. જો અફઘાનિસ્તાનની ટીમ 7 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને 10 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ રહે છે તો તે ઇતિહાસ રચતા સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લેશે. અફઘાન ટીમની આ 2 જીત સિવાય જો ઓસ્ટ્રેલિયા પોતાની અંતિમ મેચમાં બાંગ્લાદેશને હરાવે છે તો આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન અંતિમ-4ની રેસમાંથી બહાર થઇ જશે.
ઓસ્ટ્રેલિયાએ પોતાની 7માંથી 5 મેચ જીતી છે અને તેનો નેટ રનરેટ (+0.924) પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ કરતા સારૂ છે. જો કાંગારૂ ટીમ પોતાની અંતિમ 2 મેચમાં પણ હારે છે તો પણ સેમિ ફાઇનલ માટે તે ક્વોલિફાઇ કરી જશે. મહત્ત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે મેચ રમવાની છે. એવામાં એક જીતથી તે સેમિ ફાઇનલમાં પહોંચી જશે.
અત્યાર સુધી ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. આ બન્ને ટીમોએ 7માંથી એક મેચ જીતી છે. આ સિવાય શ્રીલંકા અને નેધરલેન્ડનું પણ બહાર થવુ નક્કી છે. દક્ષિણ આફ્રિકા સામે જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમે પોઇન્ટ ટેબલમાં ટોપની પોઝિશન નક્કી કરી લીધી છે. આ સાથે જ તે સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરશે. ભારતનો મુકાબલો પોઇન્ટ ટેબલમાં નંબર-4ની ટીમ સામે થશે.