દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગીર તાથા ગીરની બોર્ડર પર પ્રવાસીઓની મોટી ભીડ એકત્ર થતી હોવાથી લાયન શો, સિંહોની પજવણીની ઘટના ન બને તે માટે વનતંત્ર અગાઉથી જ સજ્જ છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા માટે વન વિભાગ દ્વારા ગીર તાથા તેની આસપાસના વિસ્તારને રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. રેડ એલર્ટ દરમ્યાન વન વિભાગનું 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. રેડ એલર્ટને લઈ વનકર્મીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે.
રેડ એલર્ટમાં રેન્જ વાઇઝ સ્થાનિક પોલીસને પણ સાથે રાખીરેવન્યુ વિસ્તારમાં તથા સિંહોની અવર-જવરવાળા વિસ્તારોમાં સિંહોનાં રક્ષણ માટે ખાસ પેટ્રોલિંગ કરાશે. તહેવારોની સિઝન દરમ્યાન દેશ તથા દુનિયાભરના લોકો ગીર તરફ આકર્ષાય છે કેમ કે, ગીર અને સિંહનું મહત્વ સતત વધતું જાય છે. દિવાળીનાં મિનિ વેકેશનમાં લાખોની સંખ્યામાં લોકો ગીરના સાસણ, દેવળીયા પાર્ક, ધારીના આંબરડી સફારી પાર્ક, તુલસીશ્યામ, કનકાઇ, બાણેજ સહિતના સ્થળોની મુલાકાત લે છે. ગીરમાં આવતા લોકો સિંહ દર્શનની પણ અપેક્ષા રાખતા હોય છે.
સિંહ દર્શન માટે બે સફારી પાર્ક આ ઉપરાંત સાસણ જંગલ સફારીની વ્યવસ્થા છે. પરંતુ અમુક તત્વો સિંહ દર્શન કરાવી દેવાની પ્રવાસીઓને લાલચ આપી મસમોટા નાણાં ખંખેરે છે. ઘણા પ્રવાસીઓને એ જાણ હોતી નથી કે, આ પ્રવૃતિ ગેરકાયદેસર છે જેના કારણે અમુક પ્રવાસીઓ ફસાઈ પણ જાય છે. આવી ગુનાહિત પ્રવૃતિ અટકાવવા માટે ગીર વિસ્તારની આજુબાજુની હોટલો, ફાર્મહાઉસ, રિસોર્ટ, હોમસ્ટેના માલિકોને તકેદારી રાખવા માટે સુચનાઓ આપવામાં આવી છે. તેમજ લોકજાગૃતિ માટે પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત હોટલ માલિકો, ફાર્મહાઉસના સંચાલકોની સાથે મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા તા.10-11-2023થી તા.19-11-2023 સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ દરમ્યાન સંઘન પેટ્રોલિંગ, મોકડ્રીલ તેમજ ગીર વિસ્તારના ગામડાઓમાં ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેરકાયદેસર લાયન શો અટકાવવા માટે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા રેપીડ એકશન ટીમ તેમજ ટાસ્ક ફોર્સની ટીમો બનાવી સતત નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બીંગની કામગીરી કરવા માટે ડીસીએફ પ્રશાંત તોમરે આદેશો આપી દીધા છે.