કોંગ્રેસ પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભારત જોડો યાત્રાના માધ્યમથી ભારતભરમાં લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અને હાલમાં પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં જાહેર થયેલી વિધાનસભા ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. હવે એવા સમાચાર છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરી શકે છે.
કોંગ્રેસનાસૂત્રોના જણાવ્યા અનુસાર, વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે આયોજન કરાઈ શકે છે.
ભારત જોડો યાત્રા 2.0 આ વર્ષે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ શકે છે અને ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા અગાઉની યાત્રા કરતા થોડી અલગ હશે. ભારત જોડો યાત્રાનો દક્ષિણથી ઉત્તરના રૂટમાં રાહુલ ગાંધીએ પગપાળા યાત્રા કરી હતી, જ્યારે આ વખતે યાત્રા ક્યાંક પગપાળા તો ક્યાંક વાહનો દ્વારા પૂરી કરવામાં આવશે.