પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની હત્યાના પ્રયાસના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના મંગળવારની છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું કે અબ્બાસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
અબ્બાસને ‘સન ઓફ અબુ જંદાલ’એ ઇઝરાયેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. સન ઓફ અબુ જંદાલ વેસ્ટ બેન્કની પેલેસ્ટાઇની સુરક્ષા પ્રણાલીની અંદર સંગઠિત છે. મંગળવારે ડેડલાઇન ખતમ થયા પછી અબ્બાસના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. સન ઓફ અબુ જંદાલ ગ્રુપે હુમલાની જવાબદારી લીધી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે હુમલાખોરોએ અબ્બાસના કાફલા પર ગોળીબાર કર્યો હતો. એક ઘર સામે ઉભેલા વાહનની આસપાસ કેટલાક બંદૂકધારી લોકો હાજર હતા. હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી અબ્બાસના એક બોડીગાર્ડને લાગી હતી. ગોળી લાગતા જ તે જમીન પર પડી ગયો હતો. આ દરમિયાન અન્ય લોકોએ હુમલાખોરો તરફ ગોળીઓ વરસાવી હતી. પાસે રહેલા લોકો જમીન પર પડેલા બોડીગાર્ડની બંદૂક લઇને ભાગે છે અને પછી મોરચો સંભાળવાનો પ્રયાસ કરે છે.