નવી આશાઓ અને ઉમંગ તેમજ અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવવાના દીપોત્સવી પર્વસમૂહનો આવતીકાલ ગુરૂવારથી પ્રારંભ થશે. તિથિના ક્ષયના કારણે એક દિવસ મોડે પર્વમાળાનો આરંભ થશે. જ્યારે દિવાળીના મુખ્ય પર્વો શુક્રવારથી શરૂ થતાં હોય, દીપાવલિ પર્વમાળાને લઈ ગોહિલવાડવાસીઓમાં અદકેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. દિપ પ્રજ્જવલીત સાથે મીઠાઇ-ફરસાણ આરોગી અને ફટાકડા ફોડી પરંપરાગત ઉજવણી માટે લોકો સજ્જ બન્યા છે.
ઉમંદ, ઉત્સાહ અને હરખના મહાપર્વ દીપાવલિની ઉજવણીનો તા.૯-૧૧ને ગુરૂવારથી આરંભ થશે. પંચાગ પ્રમાણે વૃધ્ધ તિથિના કારણે રમા એકાદશી અને વાક્ બારસ ગુરૂવારે છે. જેથી આ દિવસથી જ પર્વસમૂહની ઉજવણીનો આરંભ થશે. શુક્રવારે ધનતેરસ સાથે દિવાળીના મુખ્ય તહેવારો શરૂ થશે. શનિવારે કાળી ચૌદશ અને રવિવારે આતશબાજીના આનંદ, રોશનીના ઝગમગાટ સાથે અંધકાર પર પ્રકાશના વિજય પર્વ દિવાળીની હરખભેર ઉજવણી થશે.
આ વર્ષે પણ દિવાળી-બેસતા વર્ષ વચ્ચે પડતર દિવસ આવતો હોવાથી સોમવારે ધોકો (પડતર દિવસ) રહેશે અને મંગળવારે વિક્રમ સંવતના નૂતન વર્ષનો આરંભ થશે. જ્યારે ભાઈબીજને લઈને અવઢવ હોય, ભાઈબીજની ઉજવણી બુધવારે જ થશે તેમ જ્યોતિષ જણાવે છે.