દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે અને હવે અન્ય રાજ્યોમાં ફેલાઇ રહ્યું છે. એવામાં દિલ્હી અને ભારતના અન્ય હિસ્સાઓમાં પ્રદૂષણ નાસાની સેટેલાઇટની તસવીરોમાં કેદ થયું છે. દેશમાં પ્રદૂષણની આ તસવીરો સામે આવી છે જે ડરાવનારી છે. નાસાની તસવીરોમાં દિલ્હી, એનસીઆર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ પર ઝેરી ધુમાડાના થર જામી ગયા છે. પ્રદૂષણ હવે માત્ર દિલ્હી અને તેની આસપાસ જ સિમિત નથી રહ્યું પણ તે દેશના અન્ય હિસ્સામાં ફેલાઇ રહ્યું હોવાનો ખુલાસો પણ આ તસવીરો પરથી થયો છે.
સેટેલાઇટ તસવીરોમાં આ ઝેરી ધુમાડો પાકિસ્તાનથી લઇને ભારતની બંગાળની ખાડી સુધી ફેલાયેલો હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે દિલ્હી સરકારે પ્રદૂષણને પહોંચી વળવા માટે કૃત્રિમ વરસાદ એટલે કે આર્ટિફિશિયલ રેન કરાવવાનું નક્કી કર્યું છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ માટે એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી જેમાં નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી હતી.
ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હીમાં ૨૦ અને ૨૧ નવેમ્બરના કૃત્રિમ વરસાદ કરાવવામાં આવી શકે છે. આ બેઠકમાં આઇઆઇટી કાનપુરના વૈજ્ઞાનિકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આઇઆઇટીના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ વરસાદ અંગે પુરો પ્લાન સરકારને સોપ્યો છે. ઇન્ડિયન મેટ ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ પીટીઆઇને જણાવ્યું હતું કે આ કૃત્રિમ વરસાદ ત્યારે જ શક્ય છે જ્યારે હવામાનમાં વાદળો અને ભેજવાળુ વાતાવરણ હોય. અગાઉ આ પ્રકારનો પ્રયોગ તેલંગાણા, તામિલનાડુ, કર્ણાટકમાં પણ કરવામાં આવી ચુક્યો છે.
બીજી તરફ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને એપ્લિકેશન આધારીત અન્ય રાજ્યોની દિલ્હીમાં આવતી ટેક્સીના ઉપયોગ પર હાલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં નોંધાયેલી ટેક્સીઓ પણ દિલ્હીના રોડ પર જોવા મળી રહી હોવા અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી હતી. અને માત્ર દિલ્હીની જ ટેક્સીઓને ચાલવા દેવામાં આવે તેવી સરકારને ભલામણ કરી હતી. જેને પગલે હાલ દિલ્હીમાં નોઇડા કે ગુરુગ્રામથી ઓલા ઉબર જેવી ટેક્સીઓ લઇને નહીં જઇ શકાય. સાથે જ હાલ પુરતા એકીબેકી યોજનાને મુલતવી રખાઇ છે. સુપ્રીમે આ યોજના પર સવાલો ઉઠાવ્યા બાદ તેની અસરોનો અહેવાલ તૈયાર કરાશે જે સુપ્રીમમાં સોપાશે, સુપ્રીમના આદેશને ધ્યાનમાં રાખીને આ યોજનાને લાગુ કરાશે. જ્યારે પ્રદૂષણની અસર બાળકો પર પણ જોવા મળી રહી છે જે અંગે સુપ્રીમે પણ ચિંતા વ્યક્ત કરી હતી.