યમનના હૂતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં એક માલવાહક જહાજને હાઇજેક કર્યો હતો. આ જહાજના ચાલક દળને બંધક બનાવી લેવામાં આવ્યો હતો. આ આખી ઘટના દરિયાની વચ્ચે ઘટી હતી. યમને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં એક હેલિકૉપ્ટર અચાનક જહાજ ઉપર આવે છે અને થોડી વારમાં બંદૂક લઇને હૂતી હુમલાખોરો ઉતરે છે અને પોતાની પોઝિશન લે છે. આ લોકો જહાજના એન્ટ્રી ગેટ સુધી પહોચે છે અને ગોળીઓનો વરસાદ કરે છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે સૌથી પહેલા ચાલકને બંધક બનાવવામાં આવે છે, પછી આ જહાજને આગળ લઇ જાય છે. આસપાસ કેટલીક બોટ પણ ચાલતી જોવા મળે છે. મહત્ત્વપૂર્ણ છે કે વિદ્રોહી સંગઠન હૂતીને ઇરાનનું સમર્થન છે. રવિવારે હૂતી વિદ્રોહી દરિયાની વચ્ચે જઇ રહેલા માલવાહક જહાજ ‘ગેલેક્સી લીડર’ પર હેલિકૉપ્ટરથી ઉતરે છે, તેમણે ચાલક દળના 25 સભ્યોને બંધક બનાવ્યા હતા અને આખા જહાજને કબ્જામાં લઇ લીધો હતો. તે જહાજ લઇને યમનના એક પોર્ટ પર પહોંચ્યા હતા. હૂતીએ એક નિવેદન જાહેર કરીને શિપ હાઇજેકિંગની જવાબદારી લીધી છે.
યમને વીડિયો ફૂટેજ જાહેર કર્યો છે જેમાં જોઇ શકાય છે કે હૂતીએ લાલ સાગરમાં ઇઝરાયેલના ધ્વજ ધરાવતા જહાજને જપ્ત કરી લીધો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે યમનના હૂતીએ એક હેલિકૉપ્ટરનો ઉપયોગ કરીને પોતાના યોદ્ધાઓને જહાજ પર ઉતાર્યા હતા અને તેને પોતાના કબ્જામાં લઇ લીધો હતો. કહેવામાં આવે છે કે આ જહાજ પર યૂક્રેન, બલ્ગેરિયા, ફિલિપાઇન્સ અને મેક્સિકો સહિત કેટલાક દેશના ક્રૂ મેમ્બર હાજર હતા.
આ જહાજ તુર્કીથી ગુજરાતના પીપાવાવ પોર્ટ પર આવતુ હતું. ઇઝરાયેલે જહાજના અપહરણ માટે ઇરાનને જવાબદાર ઠેરવ્યું છે. જ્યારે તેને આખી દુનિયા માટે સૌથી ગંભીર ઘટના ગણાવી છે.