પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ લોસને ધ્યાને લઇ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૭ મહિનાથી વ્યાપક વીજ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ૭ મહિનામાં ૨.૯૪ લાખ ઉપરાંત વીજ કનેકશનો ચેક કરીને ૫૧ હજાર જેટલા કનેકશનોમાંથી ૧૬૪ કરોડ ઉપરાંતની મસમોટી વીજ ચોરી ઝડપી લીધી હતી. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વીજચોરી ભાવનગર જિલ્લામાંથી ઝડપાઇ છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ૭ મહિનામાં કરેલા વીજ ચેકીંગ દરમિયાન મળી આવેલી ગેરરીતિ અંગેની પ્રસિદ્ધ કરેલી એક યાદીમાં જણાવ્યા મુજબ પીજીવીસીએલ દ્વારા એપ્રિલ ૨૦૨૩ થી ઓક્ટોબર ૨૦૨૩ એમ ૭ મહિના સુધી સઘન વીજ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવેલ જેમાં રહેણાંકી, ધંધાકીય તેમજ ઔદ્યોગિક તેમજ ખેતીવાડી સહિતના વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતાં. ચેક કરાયેલા કનેકશનો પૈકી ૨૫ ટકાથી વધુ કનેકશનોમાંથી ગેરરીતિ મળી આવી હતી.
જીયુવીએનએલના માર્ગદર્શન મુજબ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સુચના હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં એપ્રિલ ૨૦૨૩ થી ઓક્ટોબર ૨૦૨૩ ૭ મહિના દરમિયાન ચુસ્ત બંદોબસ્ત હેઠળ વ્યાપક વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૭ મહિનામાં રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, પોરબંદર, જામનગર, ભુજ, અંજાર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર તથા સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં કુલ ૨,૯૪,૧૮૫ વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી ૫૦,૮૪૦ વીજ કનેકશનોમાંથી ગેરરીતિ મળી આવેલ. આ તમામને કુલ રૂ.૧૬૪.૨૩ કરોડનો દંડ ફટકાર્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ ૪૦,૬૪૦ વીજ કનેકશનો રાજકોટ શહેરમાં ચેક કરાયા હતાં જે પૈકી ૫૧૦૦ કનેકશનોમાંથી વીજચોરી પકડાઇ હતી જેમાં ૧૩.૫૦ કરોડનો દંડ ફટકારાયો હતો. જ્યારે ભાવનગર જિલ્લામાં ૨૪૮૬૪ કનેકશનો ૭ મહિનામાં ચેક કરાયા હતાં જેમાંથી ૬૫૮૮ કનેકશનોમાંથી વીજચોરી મળી આવી હતી અને ૨૩.૫૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ થવા જાય છે. માત્ર ઓક્ટોબર માસમાં જ દિવાળી પૂર્વે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી રેકોર્ડબ્રેક ૩૪.૩૯ કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લામાંથી એક જ માસમાં ૨.૫૬ કરોડની વીજ ચોરી ઝડપી લેવાઇ હતી. આમ માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ પીજીવીસીએલ દ્વારા ૧૬૪.૨૩ કરોડની વીજ ચોરી ઝડપી લઇ રેકોર્ડબ્રેક આવક નોંધાવી હતી.






