ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો પૂર્ણ થતા જ શહેરમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ વધારવામાં આવી છે. ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરના ઘોઘા જકાતનાકા, ગંગાજળિયા તળાવ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાંથી અડચણરૂપ લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરી માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ગઈકાલે શહેરના ઉત્તર કૃષ્ણનગર,વણકરવાસ વિસ્તારમાં મંજૂરી વગરનો મંડપ અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને નડતરરૂપ રીક્ષાને લોક મારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના કરચલીયા પરા, રોકડિયા હનુમાનજી મંદિર પાસેથી દબાણ દૂર કરી સમાન જપ્ત કર્યો હતો તેમજ ઘોઘારોડ, ફાતિમા સ્કૂલની સામે આવેલ વૃંદાવન સોસાયટીમાંથી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કર્યા હતા તેમ જ બે કાઉન્ટર, એક લારી અને મંજૂરી વગરનો મંડપ દૂર કર્યો હતો. આ ઉપરાંત ભીલવાડા સર્કલ પાસેથી નડતરરૂપ ત્રણ વાહનોને લોક મારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ બે લારી જપ્ત કરી હતી. આ ઉપરાંત ટ્રાફિકને માછલાનું વેચાણ કરનાર પાસેથી ચાર બોક્સ ખાદ્ય સામગ્રી કબજે કરવામાં આવી હતી.
આજે સવારથી જ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ વધારવામાં આવી હતી, જેમાં શહેરના ઘોઘા જકાતનાકા નજીક ફાતિમા કોન્વેન્ટ સ્કુલની સામે લારી,ગલ્લા સહિતના નડતર રૂપ દબાણો દૂર કરી લારી, કેબિન સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના ગંગાજળિયા તળાવ તેમજ શાકમાર્કેટ વિસ્તારમાં પણ રાઉન્ડ લઈને દબાણો દૂર કર્યા હતા તેમજ લારી, બાંકડા,પ્લાસ્ટિકના કેરેટ સહિતનો માલસામાન જપ્ત કર્યો હતો તેમજ વાહનોને લોક મારીને દંડ વસૂલ કર્યો હતો.