ભાવનગર જિલ્લા પંચાયતની આગામી તા.૨૮ નવેમ્બરના રોજ ૧૨મી ખાસ સાધારણ સભા પ્રમુખ રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને મળશે. આ બેઠકમાં કારોબારી સહિત છ સમિતીઓની અઢી વર્ષની મુદત માટે પુનઃ રચના કરવા ઉપરાંત છ ઠરાવો રજૂ કરાશે.
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૮ને મંગળવારે સવારે ૧૧.૩૦ કલાકે ૧૨મી ખાસ સાધારણ સભા મળશે. આ સભામાં ગત ૨૦ જુલાઇના રોજ મળેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત વિવિધ ઠરાવોના અમલવારી નોંધને ધ્યાને લઇ બહાલી અપાશે. આ ઉપરાંત ૧૩ સપ્ટેમ્બરના રોજ ઉપપ્રમુખની ચૂંટણી માટેની મળેલી ખાસ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને ધ્યાને લઇ બહાલી અપાશે તેમજ તે અંગેના નિર્ણયને પણ બહાલી અપાશે. આ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧૪૫(૧) હેઠળ જિલ્લા પંચાયત ભાવનગરની કારોબારી સમિતિ, સામાજિક અને ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ તથા અપીલ સમિતિ સહિત છ સમિતિઓને આગામી અઢી વર્ષની મુદત માટે પુનઃ રચના કરવામાં આવશે. જ્યારે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧૪૫(૨) હેઠળ ભાવનગર જિલ્લા પંચાયતની ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિ તથા મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિની પણ અઢી વર્ષની મુદત માટે પુનઃ રચના કરવામાં આવશે. જ્યારે કમિટીઓની રચના બાદ અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનાર કામોને બહાલી આપવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો તથા ડીડીઓ સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપÂસ્થત રહેશે.