સિહોર તાલુકાના મોટા સુરકા ગામમાં આવેલ આશાપુરી માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મંદિરમાં રાખેલા માતાજીના સોના-ચાંદીના આભૂષણો અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ બનાવના પગલે ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
નવા વર્ષમાં તસ્કરો સક્રિય થયા હોય તેમ ભાવનગર શહેરમાં બે બંધ મકાનમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લાના સિહોર પંથકમાં મંદિર ચોરીની ઘટના બની છે.
સિહોર તાલુકાના મોટા સુરકા ગામમાં આવેલ આશાપુરી માતાજીના મંદિરમાં તસ્કરોએ ખેપ કરી હતી.અજાણ્યા તસ્કરો માતાજીના મંદિરમાં રાખેલ ચેઇન,છત્ર,પગલાં સહિતના માતાજીના આભૂષણો તેમજ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
માતાજીના મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં ગામના આગેવાનો અને લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા સિહોર પોલીસ કાફલો મોટા સુરકા દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.માતાજીના મંદિરમાં મોટી રકમની ચોરી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.