રવિવારે ભારતના ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડકપ 2023માં એક નવો રેકોર્ડ બન્યો હતો. 12 લાખ 50 હજાર દર્શકોએ સ્ટેડિયમમાં જઇને વર્લ્ડ-કપની મેચો જોઇ હતી જે દર ચાર વર્ષે યોજાતી આ સ્પર્ધા માટે એક નવો રેકોર્ડ છે. આ ટૂર્નામેન્ટ જોવા માટે કુલ 12,50,307 દર્શકો સ્ટેડિયમમાં ગયા હતા.
ટૂર્નામેન્ટમાં છ મેચ બાકી હતી, ત્યારે દર્શકોની સંખ્યા 10 લાખના જાદુઈ આંકને પાર કરી ગઈ હતી, એમ આઈસીસીએ જણાવ્યું હતું. દર્શકોનો આ આંકડો વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ છે. તેણે 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપના આંકડાને વટાવી દીધા હતા, જેમાં કુલ 10,16,420 દર્શકો હતા. 2019માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલો વર્લ્ડ કપ સ્ટેડિયમમાં 7,52,000 દર્શકોએ નિહાળ્યો હતો.
ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમણે રાઉન્ડ રોબિન આધારે એકબીજા સામે મેચ રમી હતી. ટુર્નામેન્ટમાં સેમિ-ફાઇનલ અને ફાઇનલ સહિત કુલ 48 મેચો રમાઇ હતી, જેના પરિણામે પ્રતિ મેચ અંદાજે 26,000 દર્શકો હતા.