હાલ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 7મો બંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટ ચાલી રહી છે. અહીં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાયો ફ્યૂલને પ્રોત્સાહન આપવા ગ્રીન હાઈડ્રોજન પોલિસીની જાહેરાત કરી છે, ત્યારે સમિટમાં ઉપસ્થિત રહેલા ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ આગામી 3 વર્ષમાં કરવામાં આવશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ બંગાળના વિકાસ માટે કોઈપણ કસર નહીં છોડે. રિલાયન્સે બંગાળમાં અત્યાર સુધીમાં લગભગ 45000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, આગામી ત્રણ વર્ષમાં અમે વધુ 20 હજાર કરોડનું રોકાણ કરીશું. એશિયા અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ કહ્યું કે, ટેલિકોમ, રિટેલ અને બાયો એનર્જી સેક્ટરમાં 20 કરોડનું રોકાણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, અમે રાજ્યના ખુણેખાચરે સુધી 5G લઈ જઈ રહ્યા છીએ અને ખાસ કરીને ગ્રામીણ બંગાળને જોડવામાં આવી રહ્યું છે. જિયો ટ્રૂ 5G નેટવર્ક બંગાળના મોટાભાગના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. જિયોનું નેટવર્ક બંગાળમાં 98.8 ટકા લોકો પાસે જ્યારે કોલકાતા ટેલિકોમ સર્કલમાં 100 ટકા નેટવર્ક કવર કરી લીધું છે. જિયોનું મજબુત નેટવર્ક પશ્ચિમ બંગાળમાં રોજગારીનું સર્જન કરવા ઉપરાંત એજ્યુકેશન, હેલ્થકેર અને એગ્રીકલ્ચરને મોટાપાયે પ્રોત્સાહન આપશે.






