સંત સવૈયાનાથજી સમાધિ સંસ્થા ઝાંઝરકાના મહંત, રાજ્યસભાના પૂર્વ સાંસદ તેમજ હાલ ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ દાસજી ( મહંત શંભુપ્રસાદ ટુંડીયા) વિરુદ્ધ ભાવનગરના એક યુવકે અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેને લઈને મહંત શંભુપ્રસાદ ટુંડીયાના સમર્થકો-અનુયાયીઓમાં રોષ ફેલાયો છે.
ભાવનગર શહેરના પ્રેસ ક્વાર્ટર્સ વિસ્તારમાં રહેતા દસુભા ગોહિલ નામના યુવકે મહંત શંભુપ્રસાદ ટુંડીયા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ભાવનગર અને સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિના યુવાનોએ એકત્ર થઈને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. ભાવનગરમાં અનુસૂચિત જાતિના યુવાનોએ ઘોઘા રોડ પોલીસ મથકમાં, તેમજ સુરેન્દ્રનગરમાં દલિત હિતરક્ષક સમિતિ સહિતની સમિતિના સભ્યોએ બી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી મહંત શંભુપ્રસાદ ટુંડીયા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સ સામે એટ્રોસિટી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે.






