મ્યુ. કમિશનર ઉપાધ્યાયના નેતૃત્વમાં આજે મહાપાલિકા તંત્ર દ્વારા ઘોઘારોડ પરના મંત્રેશ કોમ્પ્લેક્ષથી શરૂ કરી રીંગરોડ થઇ એરપોર્ટ સુધીના મુખ્ય રસ્તા પર સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ સાથે દબાણ હટાવ કાર્યવાહી પણ કરવામાં આવતા ચાર ડમ્પર ભરીને કેબીન, કાઉન્ટર, લારીઓ, ટેબલ-ખુરશી સહિતનો સામાન એસ્ટેટ વિભાગે જપ્ત કર્યો હતો. કોર્પોરેશનની કાર્યવાહીના પગલે દબાણ કરતા તત્વોમાં દોડાદોડી મચી ગઇ હતી.
મ્યુ. તંત્ર દ્વારા સઘન સફાઇ ઝુંબેશમાં જાહેર રોડ-રસ્તા પરથી કચરાનો નિકાલ તેમજ ડિવાઇડરોની સફાઇ, જંગલ કટીંગ સહિતની સઘન કામગીરી કરાઇ હતી. આ સાથે ડ્રેનેજ, રોશની વિભાગને લગતી સમસ્યાઓનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી થઇ હતી અને ત્રણ જેસીબી, એક ક્રેઇનને કામે લગાડી દબાણો દુર કરાયા હતાં. જ્યારે ચાર ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો હતો. આ સાથે ઓટલા સહિતના કેટલાક બાંધકામ તોડવામાં આવ્યા હતાં. તંત્રની કાર્યવાહી વખતે ડે.કમિશનર બ્રહ્મભટ્ટ પર કાર ચડાવવા પ્રયાસ થતા તંત્રવાહકો આક્રમક મિજાજમાં દેખાયા હતાં !