ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરીઝની બીજી મેચ રવિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાની બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 191 રન જ બનાવી શકી હતી. જેના પગલે ભારતીય ટીમનો 44 રનથી વિજય થયો છે. આ જીત સાથે 5 મેચોની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી મેચ 28 નવેમ્બરે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમે આપેલા 236 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ પણ આક્રમક શરૂઆત કરી હતી. જોકે, 35 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. એક તબક્કે 58 રનમાં 4 ખેલાડીઓ પેવેલિનય ભેગા થઈ ગયા હતા. ત્યારે સ્ટોઇનિસ અને ટિમ ડેવિડે પાંચમી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન હોતા.