ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ભાવનગર શહેર-જિલ્લામાં ભાજપને મજબુત કરવામાં જેમનો ફાળો અને મહેનત રહી છે તેવા રાજનેતા સુનિલ ઓઝાનું આજે સવારે દિલ્હી ખાતે હૃદય રોગનો હુમલો આવતા અવસાન થયું છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી વારાણસી સ્થાઇ થયા
નરેન્દ્ર મોદી અને અમિત શાહની નિકટના નેતાઓમાંના એક સુનિલ ઓઝાએ પોતાની સુઝ અને કાર્યકુશળતાથી અનેક રાજ્યોમાં કેસરિયો લહેરાવવા માટે સ્ટ્રેટેજી ઘડી હતી. ભાવનગરના ધારાસભ્ય તરીકે સક્રિય ભૂમિકા નિભાવ્યા બાદ સુનિલ ઓઝા મોદીની ટીમમાં કામ કરવા દિલ્હી પહોંચ્યા હતાં. તેઓ વર્ષોથી યુપીના પ્રભારી હતા અને વારાણસીમાં નરેન્દ્ર મોદીને ચૂંટણી જીતવામાં તેમની ભુમિકા પણ મહત્વની હતી. તેમને યુપીથી બદલી કરીને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને તે લોકસભાની ચૂંટણીની સ્ટ્રેટેજી બનાવી રહ્યા હતા. દરમિયાન તેઓ દિલ્હીમાં હતા ત્યારે આજે સવારે હાર્ટ એટેક આવતાં તેમનું નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને તેમના વારાણસી સ્થિત નિવાસ સ્થાને આજે લઈ જવાશે અને આવતીકાલે ૩૦ નવેમ્બરે સવારે ૧૧ વાગ્યે અંતીમ સંસ્કાર કરવામાં આવશે.
પરિવારના સદસ્ય હતા સુનિલભાઈ : કોમલકાંત શર્મા
સુનિલભાઈની અચાનક વિદાય દુઃખદ છે. કોમલકાંત શર્માએ સુનિલભાઇ ઓઝાના નિધન અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, સુનિલભાઇ અમારા પરિવારના સદસ્ય હતાં. તમામ ક્ષેત્રમાં તેમનું માર્ગદર્શન અને હુંફ સદા મળતી રહેતી.
તેમણે જણાવ્યું કે, અફસોસ એ વાતનો છે કે હું તેમને છેલ્લે રૂબરૂ મળી ન શક્યો. વારાણસી ખાતે પૂ.ભાઇશ્રી (રમેશભાઇ ઓઝા)ની કથાનું તેમણે આયોજન કર્યું હતું. તેમણે ખાસ આગ્રહ સાથે કથાનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન તેઓની તબિયત નાદુરસ્ત હોય વારાણસી હોÂસ્પટલમાં તેમને દાખલ કરાયા હતા. હું ફોનથી તેમના સંપર્કમાં પણ હતો.જ્યારે તેમને મળવા વારાણસી પહોચ્યો ત્યારે માહિતી મળી કે તેમને દિલ્હી શિફ્ટ કરાયા છે. દિલ્હી પહોચવું હતું પરંતુ કમનસીબે દિલ્હીની ફલાઈટ કેન્સલ થતા હું પહોચી શક્યો નહી. તેમના પરિવારજનો સાથે સતત સંપર્કમાં હતો અને સુનિલભાઈની તબિયત પણ સુધારા પર હતી પરંતુ ઈશ્વરે કંઈક જુદુ વિચાર્યુ હતું. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે
તેમણે ઉમેર્યું હતું કે, સુનિલભાઇ ભાવનગરના ભાજપની વરિષ્ઠ ટીમના સદસ્ય હતાં જે ટીમે માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશમાં ભાજપનું કાર્ય કર્યું છે. સુનિલભાઈના નિધનથી ભાજપને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
પ્રથમ વખત મોદી ચૂંટણી લડ્યા ત્યારે સુનિલ ઓઝા રાજકોટમાં તેમના પ્રભારી હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ફેબ્રુઆરી ૨૦૦૨માં તેમના જીવનની પ્રથમ ચૂંટણી લડી હતી. વજુભાઈ વાળાના સ્થાને પ્રથમ વખત મોદી ચૂંટણી લડ્યા ત્યારે સુનિલ ઓઝા રાજકોટમાં તેમના પ્રભારી હતા. ઓઝાએ પોતાની સૂઝબૂઝ અને મહેનતથી આ ચૂંટણીમાં વધુ સારી વ્યવસ્થા કરી હતી તેનાથી મોદી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ૨૦૦૨માં મોદી ફરીથી મણિનગરથી ચૂંટણી લડ્યા અને ઓઝા તેમની બેઠક ભાવનગર દક્ષિણથી વિધાનસભા પહોંચ્યા હતા.