વડાપ્રધાને ઉતરકાશીમાં સર્જાયેલી સુરંગ દુર્ઘટનામાં 17 દિવસ બાદ હેમખેમ બહાર આવેલા 41 કામદારો સાથે ફોન પર વાતચીત કરી તેઓએ કપરી સ્થિતિમાં જે રીતે ધૈર્ય-સંયમ જાળવી રાખ્યો તેની પ્રશંસા કરી હતી. મજદુરોએ તેઓએ કઈ રીતે 17 દિવસ સુરંગમાં વિતાવ્યા તેની માહિતી વડાપ્રધાનને આપી હતી.
મોદીએ વાતચીતની શરુઆતમાં કહ્યું કે કેદારનાથ બાબા અને બદ્રીનાથ ભગવાનની કૃપા રહી કે તમામ મજદુરો સલામત બહાર આવ્યા હતા. તેઓએ ધૈર્ય બનાવી રાખ્યો તે મોટી વાત છે. મોદીએ સુરંગમાં ફસાયેલા મજદૂરનું નામ લઈને ગબ્બરસિંહ નમસ્તે કહીને સૌના દિલ જીતી લીધા હતા. કામદારોએ વડાપ્રધાનને જણાવ્યું કે અમો 18 દિવસ સુરંગમાં રહ્યા પણ કદી ગભરાયા ન હતા. અમો ભાઈની જેમ રહેતા હતા અને સૌ એક બીજાને યાદ કરતા હતા.
મજદૂરોએ જણાવ્યું કે તેઓ ટનલમાં યોગ કરીને અમોને શાંત તથા ધૈર્ય રાખવાનો ઉપાય અજમાવ્યો હતો. સુરંગ 2.5 કી.મી. લાંબી હતી. મોદીએ આ તકે કેન્દ્રીય મંત્રી પી.કે.સિંઘનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વી.કે.સાહેબ પુરા દિવસ ત્યાં રહ્યા હતા અને જનરલની માફક પુરી ડિસીપ્લીનમાં ત્યાં મોજૂદ હતા.