શેરબજાર તથા સોના-ચાંદીમાં મોટી તેજી થઈ હોય તેમ ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો. નિફટી ફરી એક વખત 20000ને પાર થઈ ગયો હતો. સોનુ 65000ને વટાવી ગયુ હતું તથા ચાંદી 80000ની નજીક આવી ગઈ હતી.
શેરબજાર કેટલાંક દિવસોથી નિરસ રહ્યા બાદ ગઈકાલથી તેજીનો સળવળાટ હતો અને આજે આગળ વધ્યો હતો. વિશ્વબજારની તેજી, ભારતીય અર્થતંત્ર વિશે પ્રોત્સાહક રિપોર્ટ, કોર્પોરેટ ક્ષેત્રના અફલાતુન પરિણામો, તહેવારોની સીઝન જોરદાર ગયા બાદ હવે બે માસનો લગ્નગાળો પણ અર્થતંત્રને બુસ્ટરડોઝ મળવાનો આશાવાદ જેવા કારણો ટેકારૂપ બન્યા હતા.
બીજી તરફ સોના-ચાંદીમાં પણ તેજી જામી હતી અને એક જ દિવસમાં મોટો ઉછાળો હતો. ઝવેરીઓના કહેવા પ્રમાણે ગઈરાત્રે જ સોનામાં 10 ગ્રામે 1000 રૂપિયા વધી ગયા હતા. આજે ઉઘડતામાં જ દસ ગ્રામનો ભાવ 65200 થયો હતો જેના ગઈકાલે 63900 હતા. વિશ્વબજારમાં સોનુ ઉછળીને 2045 ડોલરે પહોંચ્યુ હતું. ભારતીય કોમોડીટી વાયદામાં આજે સવારે સોનાનો ભાવ 6245 હતો.
સોનાના વેપારીઓએ કહ્યું કે, ધનતેરસ-દિવાળીના તહેવાર પછીના 15 દિવસમાં સોનામાં દસ ગ્રામે 3000 રૂપિયાનો વધારો થઈ ગયો છે. ધનતેરસે સોનુ 62400 આસપાસ રહ્યું હતું. ચાંદીનો ભાવ પણ 80000ની નજીક પહોંચ્યો હોય 79600 સાંપડયો હતો. વિશ્વબજારમાં 25 ડોલર તથા કોમોડીટી વાયદામાં 75460નો ભાવ હતો.
સોના-ચાંદીના ભાવો અચાનક સળગતા ઝવેરીઓ પણ સ્તબ્ધ બન્યા હતા. ખાસ કરીને અત્યારે ભરચકક લગ્નગાળો છે તેવા સમયે વધતા ભાવથી ઘરાકીને અસર થઈ શકે છે. લગ્ન પ્રસંગો માટે સોનાની ખરીદી ફરજીયાત રહેતી હોવા છતાં તેમાં કાપ મુકાવાની ભીતિ રહે છે.