ભાજપે વિધાનસભા ચૂંટણમાં કુલ 21 સાંસદોને ટિકિટ આપી હતી જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ, ફગ્ગનસિંહનો પણ સમાવેશ થાય છે જેમાંથી રાજસ્થાનમાં સાત, મધ્ય પ્રદેશમાં સાત અને છત્તીસગઢમાં ચાર જ્યારે તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભાની ચૂંટણી લડાવી હતી. નિષ્ણાતો અનુસાર જે પણ સાંસદોએ આ ચૂંટણી જીતી હશે તેમણે વિધાનસભા અથવા લોકસભા બેમાંથી એકનું સભ્યપદ છોડવું પડશે અને આ અંગેનો નિર્ણય પરિણામો જાહેર થયાના 14 દિવસની અંદર લેવાનો રહેશે. જો તેઓ રાજીનામુ ના આપે તો લોકસભાના સાંસદનું પદ ગુમાવશે. જોકે, તેઓ વિધાનસભાના સભ્ય તરીકે એટલે કે ધારાસભ્ય તરીકે પોતાની કામગીરી કરી શકશે.
આ જાણકારી લોકસભાના પૂર્વ સચિવ અને બંધારણના નિષ્ણાત પીડીટી અચારીએ આપી હતી. બંધારણના આર્ટિકલ 101 હેઠળ 1950માં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ આ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.