ડિજીટલ પેમેન્ટનો આગ્રહ રાખવો તે સારી બાબત છે પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને સાયબર ગઠીયાઓ નાગરિકોની પરસેવાની કમાણી ગણતરીની મીનીટોમાં ચાઉ કરી જતા હોય છે. આવા સંજોગોમાં નાગરિકોને સુરક્ષા મળી રહે તે માટે સીઆઈડીએ શંકાસ્પદ વ્યવહારોવાળા 56421 મોબાઈલ નંબરોને કાયમી ધોરણે બંધ કરાવ્યા છે. સીઆઈડીએ સાયબર ફ્રોડથી અને તેમાંય આર્થિક નુકશાની થાય તેવા કિસ્સાઓને અટકાવવા મોબાઈલ નંબરોને બંધ કરાવી દીધા છે. ભવિષ્યમાં સાયબર ગુના આચરતા આરોપીઓ બીજી વખત જે-તે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકશે નહી.
સ્ટેટ સાયબર ક્રાઈમે જે મોબાઈલ નંબરો થકી વારંવાર છેતરપીંડી આચરવામાં આવતી હતી તેવા ઘણા નંબરોનો ડેટા બેંક બનાવી હતી. તે માહિતી સંબંધીત વિભાગને મોકલી આપીને તે તમામ મોબાઈલ નંબરોને કાયમી ધોરણે બ્લોક કરાવી દીધા છે. કેન્દ્ર સરકારના ટેલીકોમ વિભાગે સમગ્ર દેશભરમાંથી 70 લાખ મોબાઈલ નંબરોને બંધ કરાવી દીધા છે.