ગુજરાતમાં લોકોનો વિદેશ ફરવા જવાનો અને બિઝનેશ માટે વિદેશમાં જવાનો ધસારો દિવસે દિવસે વધી રહ્યો છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા છે. આ તમામ બાબતોને લઈને પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે થતી અરજીઓની સંખ્યામાં અસાધારણ વધારો નોંધાયો છે. ચાલુ વર્ષમાં નવેમ્બરના અંત સુધીમાં ગુજરાત આરપીઓ દ્વારા મળેલી 8.12 લાખ અરજીઓ પૈકી 7.70 લાખ અરજીઓના નિકાલ કરી પાસપોર્ટ તૈયાર કરી આપી દેવામાં આવ્યા છે.
પાસપોર્ટ ઓફિસની અસાધારણ કામગીરી માટે સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓએ મોટાભાગના શનિવારે સરકારી રજા હોવા છતાં પાસપોર્ટ ઓફિસની કામગીરી ચાલુ રાખી અરજદારોની અરજીઓના નિકાલ કર્યા હતા. ગુજરાત આરપીઓ રેન મિશ્રાના જણાવ્યા મુજબ તમામ પાસપોર્ટ સહાયતા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સહાયતા-કેન્દ્રો પર દિવસે દિવસે પાસપોર્ટ માટેના અરજદારોની સંખ્યા વધી રહી છે.
વર્તમાન પરીસ્થિતિમાં રોજના સાડા ત્રણ હજારથી વધુ અરજદારોની એપ્લીકેશન પર કામગીરી કરવામાં આવી રહી છે. વર્તમાન પરીસ્થિતિમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોને પાસપોર્ટ કરવાની સાથે સાથે ઈમરજન્સીમાં કોઈને મેડીકલ ઈમરજન્સી માટે વિદેશ જવાનું હોય કે કેરિયરને લગતી ઈમરજન્સી હોય તો પાસપોર્ટ ઓફિસ દ્વારા તેમને ખાસ પ્રાયોરીટી આપીને ગણતરીના કલાકોમાં પાસપોર્ટ ઈસ્યુ કરી આપ્યા હોવાના સંખ્યાબંધ દાખલા નોંધાયા છે.
પાસપોર્ટ ઓફિસના અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ ડિસેમ્બર મહિનામાં એક લાખથી વધુ અરજીઓ મળે તેવી સંભાવના છે. આમ ચાલુ વર્ષે ગુજરાત રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા 9 લાખથી વધુ અરજદારોની અરજીઓ ઉપર કામ કરવાનો રેકોર્ડ બને તેવી સંભાવના છે.