રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં સ્થિતિ તંગ થઇ છે. આ હત્યાકાંડના વિરોધમાં રાજસ્થાનના અનેક શહેરોમાં પ્રદર્શન થયા હતા. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા અને ટ્રેનો પણ રોકી હતી. કેટલીક જગ્યાએ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઉગ્ર દેખાવો બાદ કરણી સેનાએ આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કરણી સેનાની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હોવાની માહિતી મળી છે. ગુરુવારે સુખદેવસિંહ ગોગામેડીના અંતિમ સંસ્કાર થવાના છે.
દરમિયાન, ગોગામેડીના પત્ની શીલા શેખાવતે કેસ દાખલ કર્યો છે. શીલા શેખાવતે આપેલી ફરિયાદમાં કાર્યકારી મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પણ ઉલ્લેખ છે. માહિતી અનુસાર, સુખદેવસિંહ હત્યાકાંડમાં UAPA અંતર્ગત કેસ નોંધાયો છે. આ કેસમાં ગોગામેડીના પત્ની શીલા શેખાવતે કેસ દાખલ કર્યો છે. જેમા પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. FIR માં રાજસ્થાનના પોલીસ વડાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુત્રોની માનીએ તો બંનેને ત્રણવાર સુરક્ષા અપાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્રણ ત્રણ વાર રજૂઆત કર્યા પછી પણ ધ્યાન ન આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જાણી જોઇને સુરક્ષા ન આપી હોવાનો પણ FIR માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.