પરીક્ષાઓની તારીખોમાં વારંવાર ફેરફાર, પેપર લીક થવાની ઘટનાઓ ઉપરાંત સારું શિક્ષણ હોવા છતાં નોકરી ન મળતાં ગુજરાતમાં 3 વર્ષમાં બેરોજગારીને કારણે 811 યુવાને આત્મહત્યા કરી છે. સંસદમાં સરકારે રજૂ કરેલા ડેટામાં સ્વીકારવામાં આવ્યું છે કે 2020થી 2022 દરમિયાનના 3 વર્ષમાં 4.88 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી બેરોજગારીને કારણે 10,259 લોકોએ આત્મહત્યા કરી હતી.
બેરોજગારીને કારણે આત્મહત્યા કરનારાં રાજ્યોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. છેલ્લાં 3 વર્ષમાં દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાંથી 2063, ત્યાર બાદ કર્ણાટકથી 1727 લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી હતી. કેન્દ્ર સરકારે સંસંદમાં પુછાયેલા આત્મહત્યાની સંખ્યા અંગેના જવાબમાં બેરોજગારીને કારણે આત્મહત્યા કરનારની સંખ્યા રજૂ કરી હતી. જેમાં જણાવાયું હતું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બેરોજગારીને કારણે આત્મહત્યા થઈ હોય તેની અલગથી નોંધ થતી નથી પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી મળતી માહિતી પ્રમાણે 3 વર્ષમાં 10,259 લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી હતી.