સંસદની સુરક્ષામાં થયેલી ચૂકને લઇને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બન્ને સદનમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરતા કહ્યું કે ઘટના ગંભીર છે. સરકારે જવાબ આપતા કહ્યું કે રાજનીતિ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું, “લોકસભામાં જે લોકો કૂદીને ગડબડ કરી, આ દરમિયાન અહીં (રાજ્યસભા)માં પણ તેનો અવાજ ઉઠાવવામાં આવ્યો. સમસ્યા ઘણી ગંભીર છે. લોકસભા અને રાજ્યસભાનો સવાલ નથી પરંતુ સવાલ એ છે કે કોઈએ આવી સુરક્ષાનો ભંગ કેવી રીતે કર્યો.”
ખડગેને વચ્ચે રોકતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, “ઘટનાની જાણકારી મળતા જ મે ડાયરેક્ટર ઓફ સિક્યુરિટીને ફોન કર્યો હતો અને અપડેટ માંગ્યુ હતું. આ ચિંતાનો વિષય છે, સમય આપો. જેના પર ખડગેએ કહ્યું કે તમે સમયની વાત કરો છો અને અહીં લોકોનો જીવ જઇ રહ્યો છે.”
કોંગ્રેસના આરોપો પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કોંગ્રેસ આ ઘટના પર રાજનીતિ કરી રહી છે, તેમણે કહ્યું, “જે ઘટના બની છે જે દુખદ છે. એવામાં વિપક્ષનું વલણ છે. દેશને મેસેજ આપવો જોઇએ કે આપણે બધા દેશની એકતા અને અખંડતા સાથે ઉભા છીએ. રાજ્યસભામાંથી મેસેજ જવો જોઇએ કે દેશની તાકાત આ બધાની ઉપર છે. સદન જરૂર ચાલવુ જોઇએ, કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. આ દેશ માટે સારો મેસેજ નથી, તપાસ ચાલી રહી છે.”