ભાવનગર માટે હરિદ્વાર બાદ હવે સોમનાથ મહાદેવની સીધી ટ્રેન સેવાના યોગ થયા છે, ભાવ. જેતલસર વચ્ચે દોડતી દૈનિક ટ્રેનને વેરાવળ – સોમનાથ સુધી લંબાવવાનો ર્નિણય થઈ ચૂક્યો છે અને નજીકના દિવસોમાં તેનો અમલ કરાશે. આ સાથે જ ભાવનગર અને સોમનાથ રેલ માર્ગે જાેડાઈ જશે. બીજાે એક મહત્વપૂર્ણ ર્નિણય રેલવેએ કર્યો છે જેમાં ભાવ. જેતલસરની અન્ય એક ટ્રેનને પોરબંદર સુધી લંબાવવામાં આવનાર છે.
રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાવનગરથી સોમનાથ અને ભાવનગરથી પોરબંદરની સીધી ટ્રેન સેવા અંગે જાહેરાત કરી છે, આ અંગે સતાવાર જાહેરાત અને ટ્રેન સેવાનો કંઈ તારીખથી પ્રારંભ થશે તે અંગેની વિગતો હજુ જાહેર કરાઈ નથી. પરંતુ ભાવનગર રેલ્વે ડિવિઝનના ડીસીએમ માશુક અહમદે ભાવ. સોમનાથ અને ભાવ. પોરબંદરની સીધી ટ્રેન સેવા આગામી દિવસોમાં શરૂ થઈ રહી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આમ, ભાવનગર અને સોમનાથ બહુ જલ્દીથી રેલ્વે માર્ગ જાેડાઈ જશે. ભાવ. પોરબંદર વચ્ચે બ્રોડગેજ પૂર્વે ટ્રેન વ્યવહાર હતો જે હવે પુનઃ સ્થાપિત થઈ રહ્યો છે. જયારે ભાવનગર સોમનાથ પ્રથમ વખત રેલ્વે માર્ગે જાેડાશે. ભાવનગરથી હરિદ્વારની સીધી ટ્રેન સેવા બાદ હવે ભાવનગરથી સોમનાથની ટ્રેન સેવા માટે ઉજળા સંજાેગો ઊભા થતા યાત્રિકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
રેલ રાજય મંત્રી દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયા મારફત આપ્યા હરખના સમાચાર
રેલ મંત્રી દર્શનાબેનએ કરેલી જાહેરાત મુજબ ગુજરાતની જનતાની માંગણીઓ મુજબ ટ્રેનોનું ડાયવર્ઝન/વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેન નં. ૦૯૫૬૮/૬૫ ભાવનગર – જેતલસર પેસેન્જરને પોરબંદર સુધી લંબાવવામાં આવી છે. જયારે ટ્રેન નં. ૦૯૫૬૬/૬૭ ભાવનગર – વેરાવળ પેસેન્જરને વેરાવળ (સોમનાથ) સુધી લંબાવવામાં આવી છે.