ડુંગળી પકવતા ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ આવવનુ નામ લેતો ન હોય તેમ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા વજન કપાતનો મુદ્દો ઉઠાવતા ડુંગળીના ખેડુતો દ્વારા હરરાજી બંધ કરાવાયા બાદ હવે વજન કપાતના પ્રશ્ને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અચોક્કસ મુદત માટે ડુંગળીની હરરાજી બંધ કરવાનો ર્નિણય લેવાયો છે અને ખેડૂતો તથા કમિશન એજન્ટોને યાર્ડમાં નવી જણસી ન લાવવા માટે તાકીદ પણ કરવામાં આવી છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી પકવતા ખેડૂતો પોતાની તૈયાર થયેલી ડુંગળીઓ વેચાણ કરવા માટે ભાવનગર યાર્ડ સહિત જિલ્લાના તમામ યાર્ડમાં લાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં યાર્ડમાં બોરીઓનો કડકલો થયેલ દરમિયાન ચારેક દિવસ પહેલા વેપારીઓ દ્વારા ખાલી બોરીઓના વજન કપાત કરવાનો મુદ્દો ઉઠાવતા ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દેકારા શરૂ કર્યો હતા. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતા ખેડૂતોને ભાવમાં મોટુ ગાબડુ પડતા ભારે નુકશનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લાના યાર્ડ ઉપરાંત ગોડલ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીની હરરાજી બંધ રખાઈ હતી. અને નિકાસની છુટ આપવાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતા એક મણે ૩૦૦ રૂપિયા જેટલો ઘટાડો થયો છે.
વાંધા અને વિરોધ વચ્ચે પણ ભાવનગર ઉપરાંત મહુવા યાર્ડમાં પણ ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી દરમિયાન ગઈકાલે ફરીથી વેપારીઓ દ્વારા ડુંગળી ઉપરાંત કપાસ અને મગફળીમાં પણ વજન કપાતનો મુદ્દો ઊભો કરતા ખેડૂતો દ્વારા વીજળીક રીતે ડુંગળીની હરરાજી બંધ કરવામાં આવી હતી. અને મોડી સાંજે ચોક્કસ મુદત સુધી વજન કપાતના પ્રશ્ને ડુંગળીની હરરાજી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ખેડૂતોએ એકઠા થઈ ભારે દેકારા કર્યા હતા અને યાર્ડના દરવાજા પણ બંધ કર્યા હતા અને સમિતિની ઓફીસે ટોળે વળી રજૂઆત કરી હતી. દરમિયાન મોડી સાંજે યાર્ડ દ્વારા વજન કપાત નહીં કરવાના નિયમ સામે ખરીદનાર વેપારીઓ સામે પ્રશ્ન ઉપસ્થિત થયો હોય ત્યારે આ પ્રશ્નનુ નિરાકરણ ન આવે ત્યાં સુધી તમામ જણસીઓની અચોક્કસ મુદત માટે હરરાજી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. અને જ્યાં સુધી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી કોઇપણ ખેડૂતોએ કે કમિશન એજન્ટોએ ડુંગળી સહિત કોઇપણ જાતની જણસી માર્કેટ યાર્ડમાં વેચાણ માટે ન લાવવા તાકીદ કરવામાં આવી છે. અને લાવશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે તે પણ સેક્રેટરી દ્વારા જણાવાયુ હતું.