રાજ્યમાં અનેક શહેરોમાં રિક્ષામાં બેસેલા પેસેન્જરના દાગીનાની ચોરી કરતી આંતર રાજ્ય ગેંગ હવે પોલીસના સકંજામાં આવી છે. આ આંતરરાજ્ય ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં તરખાટ મચાવ્યો હતો. વિગતો મુજબ આ ઇસમો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી અન્ય પેસેન્જર પાસેથી દાગીના સેરવી લેતા હતા. જોકે હવે પોલીસે આ લોકોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આ તરફ ઇસમોની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઝડપાયેલા આરોપીઓ મોટે ભાગે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા અને રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલ રાખતા હતા. આ ગેંગે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં મચાવ્યો તરખાટ હતો.
આ ઇસમો મોટે ભાગે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવતા હતા. આ સાથે 8 સભ્યોની ગેંગ જુદાજુદા શહેરમાં સક્રિય થઈ ચોરીને અંજામ આપતા હતા. જેમાં અમદાવાદનો રમેશ ઉર્ફે ભોટી શંકર નાયક રિક્ષા ચલાવતો હતો અને રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર રિક્ષામાં પેસેન્જર બની ગુનાને અંજામ આપતો હતો. આ સાથે ચોરી વખતે એક મોપેડચાલક રિક્ષાની આગળ રહેતો હતો. આ તરફ હવે પોલીસે ગેંગના 6 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા અને ઝડપાયેલા 2 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.
વિવિધ સ્થળે લાગેલા CCTVનાં ફૂટેજ જોતાં નંબર પ્લેટ ઉપર ફૂલનો હાર લગાવી નંબર ના દેખાય એવી રીતે ફરતી રિક્ષા ઉપર શંકા ગઈ હતી. જેને કારણે પોલીસે રિક્ષાને વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર અટકાવી રિક્ષાચાલક રમેશ ઉર્ફે ભોટી શંકરભાઈ નાયક (ઉં.વ.29, રહે. અમદાવાદ) અને મુસાફરની સીટ પર બેસતો રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર (ઉં.વ.31, રહે. મહેમદાવાદ અને રાજકોટ)ને ઝડપી લીધા હતા. બંનેની અને રિક્ષાની જડતી તપાસ કરતાં 68 હજારની કિંમતની સોનાની 2 ચેઇન મળી આવી હતી.
પૂછપરછમાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી કે, આરોપીઓ રિક્ષા લઈ ગુનો કરવા નિકળે તે અગાઉ મહેમદાવાદમાં રહેતા વિનુ ભુવા પાસે દાણા જોવડાવતા હતા અને ત્યાર બાદ દિશા અને સ્થળ નક્કી કરી એ દિશામાં રિક્ષા લઈને દાગીના સેરવી લેવા નીકળતા હતા અને પાછળ સાગરીતો મોપેડ લઈને આવતા હતા.