આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા શહેરના જાણીતા બિલ્ડર સુરાના ગ્રુપ અને રાકેશ કંસલને ત્યાં પાડવામાં આવેા દરોડામાં મળેલા 700 કરોડના ડોકયુમેન્ટમાં 120થી વધુ કરોડપતિઓ ભેરવાઈ ગયા છે. આ ઉપરાંત જમીન દલાલો પણ બરાબરના સકંજામાં આવી ગયા છે.
આઇટીના હાથ લાગેલા ડોકયુમેન્ટમાં રોકડના હિસાબો હોવાની માહિતી મળી છે અને કોણે કેટલા રૂપિયા બિલ્ડરોને આપ્યા છે તેની પણ માહિતી હોવાથી આવનારા સમયમાં આ તમામ રોકડિયા કરોડપતિઓને આઇટી વિભાગ નોટિસ મોકલીને તમામના સ્ટેટમેન્ટ લેવામાં આવનાર છે. આ અંગે આઇટીના સૂત્રો કહે છે કે, યાદી ઘણી લાંબી છે, પરંતુ હજી સુધી 120 લોકોની છણાવટ કરવામાં આવી છે. જે મોટા ટ્રાન્ઝેક્શન થયા છે તેમને પહેલાં નોટિસ ઇશ્યુ કરવામાં આવશે.
વેસુ, વીઆઇપી રોડ, પરવત પાટિયા, ડિંડોલી અને ડુમસ રોડ પર ખરીદ-વેચાણ થયેલી કેટલીક જમીનાનો સોદા પણ અધિકારીઓના હાથ લાગ્યા છે તેમાં જેમની સાથે સાટાખત છે તે તમામ પણ હવે આઇટી અધિકારીઓના રડાર પર આવી ગયા છે. જે ડાયરીઓ મળી છે તેમાં અનેક જગ્યાએ રોકડમાં રૂપિયા ચૂકવાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
આઇટી તપાસમાં કુલ 8 લાખની રોકડ અને જ્વેલરી મળી છે, ઉપરાંત 20 જેટલાં બેંક લોકર પણ સીઝ કરવામાં આવ્યાં છે. આ લોકરો આવતા અઠવાડિયે ઓપરેટ કરવામાં આવનાર છે. અનેક બેંક સ્ટેટમેન્ટ પણ અધિકારીઓ હજી ચકાસી રહ્યા છે. કયું પેમેન્ટ કેમ કરાયું અને તે વ્યવહારમાં બ્લેક મનીનો રેશિયો કેટલો હતો તે જાણવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બેનામી મિલકતોનો એન્ગલ પણ અધિકારીઓ ચકાસી રહ્યા છે.