કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂએ આવકવેરા વિભાગના દરોડા મામલે કહ્યું કે, જે પૈસા જપ્ત થયા છે, તેમાં કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટીના રૂપિયા નથી. તેને કારણ વગર બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
કોંગ્રેસ નેતા ધીરજ સાહૂએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ પૈસાથી મારે કોઈ લેવા-દેવા નથી. આ મારા પરિવારના પૈસા છે. અમારો પરિવાર ખુબ મોટો છે અને આ પૈસા તે લોકોના છે. હાલ ઈન્કમ ટેક્સ તરફથી એવું નથી કહેવામાં આવ્યું કે, આ પૈસા ગેરકાયદે છે. તેવામાં આ પૈસા અંગે કંઈપણ કહેવું ઉતાવળ હશે.
ધીરજ સાહૂએ કહ્યું કે, દરોડા દરમિયાન જે પણ રૂપિયા મળી આવ્યા છે, તે મારી દારુની કંપનીઓના છે. દારુનો વહિવટ રોકડમાં જ થાય છે. મને નથી ખબર કે લોકો આને કેવી રીતે જુએ છે, પરંતુ હું એ વિશ્વાસ સાથે કહી શકું છું કે, આ પૈસા સાથે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવા-દેવા નથી.
ધીરજ સાહૂએ કહ્યું કે, મેં ઝારખંડમાં અનેક વિકાસ કાર્ય કર્યા છે અને હંમેશા ગરીબોની મદદ કરી છે. જે રોકડ મળી આવી છે તે મારી પાક્કી રકમ છે, મારો પરિવાર દાયકાઓથી વધુ સમયથી દારૂનો વેપાર ચલાવી રહ્યો છે. દારૂનો ધંધો રોકડમાં થાય છે. ધંધો મારો પરિવારના લોકો ચલાવતા હતા. આવકવેરા વિભાગના દરોડામાં જે રોકડ મળી છે, તે કોઈ રાજકીય પક્ષની નથી. તે મારા બિઝનેસ ફર્મ માટે રોકડ રાખવામાં આવી હતી.