ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત રુવેન અઝાર હશે. ઈઝરાયેલ સરકારે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા આ નિમણૂકને મંજૂરી આપી હતી. અઝાર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે.ઈઝરાયેલ દ્વારા રુવેન અઝારને ભારતમાં નવા રાજદૂત તરીકે નિમણૂકને મંજૂરી આપી છે ત્યારે ઈઝરાયેલના વિદેશમંત્રી એલી કોહેને રુવેન અઝારને અભિનંદન આપતા કહ્યું હતું કે તેઓ ઈઝરાયેલ અને તેના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે. ઈઝરાયેલ સરકાર દ્વારા આ નિમણૂક મંજૂર કરાયેલા મિશનના ૨૧ નવા પ્રમુખોમાંથી એક છે જે ટૂંક સમયમાં જ કાર્યભાર સંભાળશે.
નવા નિમણૂક થયેલા અઝાર છેલ્લા ત્રણ દાયકાઓથી વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે જેમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી તે યુએસની ઈઝરાયેલ એમ્બેસીમાં ડેપ્યુટી એમ્બેસડર હતા. આ ઉપરાંત અઝારે પેલેસ્ટાઈનના મુદ્દે પણ ઘણું કામ કર્યું છે. અઝાર હાલમાં રોમાનિયામાં ઇઝરાયેલના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. જો કે હજુ સુધી તેઓ નવી દિલ્હીમાં ક્યારે ચાર્જ સંભાળશે તે અંગેની માહિતી મળી નથી.