ગુજરાતમાં ડુંગળી પકવીને દુ:ખી થયેલા ખેડૂતોની વ્યથા સાંભળવા સરકાર તૈયાર નથી, કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.ખુલ્લા બજારમાં એક તરફ વેપારીઓ ડુંગળી ખરીદવા માટે તૈયાર નથી અને બીજી તરફ ખેડૂતોની ડુંગળી વેચાયા વિના પડી રહી હોવાથી સડી ગઈ છે. ખેડૂતને એક વીઘા ખેતરનાં ડુંગળી વાવવી હોય તો 20 હજાર કરતા પણ વધુ ખર્ચ થાય છે. પરંતુ વેપારીઓ 10 રૂપિયે કિલોગ્રામ ભાવ આપી રહ્યા છે તેથી ખેડુતોને ડુંગળીનું ટ્રાન્સપોર્ટેશન મોંઘુ પડી રહ્યું છે.
અતિવૃષ્ટિ અને માવઠાંનો ભોગ બનેલા ખેડૂતો ડુંગળી વેચવા માટે લાચાર બન્યાં છે. થોડાં સમય પહેલાં એપીએમસીમાં ડુંગળીની ખરીદી માટે વેપારીઓ તૈયાર નહીં હોવાથી તેમણે હાઈવે પર ડુંગળી નાંખી દીધી હતી. એક મહિના પહેલાં ડુંગળીનો મણનો ભાવ 600થી 800 રૂપિયા હતો, પરંતુ કેન્દ્રની નિકાસબંધીના કારણે ડુંગળીનો મણનો ભાવ200થી 250 રૂપિયા થઈ ગયો છે.