ઉત્તર પ્રદેશના અયોધ્યામાં લાંબા સંઘર્ષ પછી 22 જાન્યુઆરી 2024માં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હશે. રામ મંદિર આંદોલનના મોટા ચહેરામાં સામેલ ભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ નહીં થાય.
જાણકારી અનુસાર, તેમના સ્વાસ્થ્ય અને ઉંમરને કારણે તેમણે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ ના થવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં અડવાણી અને જોશીના સામેલ થવા પર કહ્યું કે બન્ને પરિવારના વૃદ્ધ છે અને તેમની ઉંમરને જોતા તેમણે ના આવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, જેનો બન્નેએ સ્વીકાર કરી લીધો છે.ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરીએ અભિષેક સમારંભની તૈયારી ચાલી રહી છે.
ચંપત રાયે કહ્યું કે સમારંભની તૈયારીઓ 15 જાન્યુઆરી સુધી પુરી કરી લેવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા 16 જાન્યુઆરીથી શરૂ થશે જે 22 જાન્યુઆરી સુધી ચાલશે. આમંત્રિત લોકોની યાદી જોતા ચંપત રાયે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી અભિષેક સમારંભમાં સામેલ નહીં થાય, તેમણે કહ્યું કે અડવાણી 96 વર્ષના છે અને જોશી આવતા મહિને 90 વર્ષના થઇ જશે.
આ સિવાય ચંપત રાયે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને સમારંભમાં આમંત્રણ આપવા ત્રણ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે, તેમણે કહ્યું કે વિવિધ પરંપરાઓના 150 સાધુ-સંતો અને છ દર્શન પરંપરાઓના શંકરાચાર્યો સહિત 13 અખાડા આ સમારંભમાં સામેલ થશે. કાર્યક્રમમાં લગભગ ચાર હજાર સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય 2200 અન્ય મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત અને અન્ય જાણીતી હસ્તીઓ પ્રાણ-પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થશે
ચંપત રાયે જણાવ્યુ કે કાશી વિશ્વનાથ, વેષ્ણોદેવી જેવા મુખ્ય મંદિરોના પ્રમુખ, ધાર્મિક, અને બંધારણીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે, તેમણે જણાવ્યુ કે આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામા, કેરલની માતા અમૃતાનંદમયી, યોગ ગુરૂ બાબા રામદેવ, અભિનેતા રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અરુણ ગોવિલ, ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકર, બિઝનેસમેન મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ઇસરોના ડિરેક્ટર નીલેશ દેસાઇ અને અન્ય કેટલીક જાણીતી હસ્તીઓ પણ પ્રાણ-પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થશે.