કેરળમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. સોમવારે કોવિડ -19 ના 111 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે રાજ્યમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,634 થઈ ગઈ છે.
આ સિવાય કેરળમાં કોરોનાને કારણે એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકારે એલર્ટ રહેવા જણાવ્યું છે.
દેશમાં કોવિડ-19 કેસમાં વધારો અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસના ઉદભવ વચ્ચે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સતત અને સહયોગી કાર્યને કારણે, અમે (COVID-19) કેસોની સંખ્યામાં ઘટાડો કરવામાં સફળ રહ્યા છીએ.” “જો કે, કોવિડ -19 વાયરસનો પ્રકોપ ચાલુ છે. તેથી, જાહેર આરોગ્યના પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે ગતિ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે.
પંતે કહ્યું કે તાજેતરમાં કેરળ જેવા કેટલાક રાજ્યોમાં કોવિડ -19 કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે. ભારતમાં કોવિડ-19ના JN.1 પ્રકારનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે કેરળમાં નોંધાયો હતો. અગાઉ, તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો એક પ્રવાસી સિંગાપોરમાં JN.1 વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો.
તેમણે ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) ના જિલ્લા આધારિત કેસોની વહેલાસર તપાસ માટે તમામ આરોગ્ય સુવિધાઓમાં નિયમિત ધોરણે દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવા જણાવ્યું છે.