દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગતરોજ સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પ્રસંગે સુરત આવ્યા હતા અને જાહેર સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે ડાયમંડ શરૂ થતાની સાથે જ દૂરંદેશી વિચાર પણ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ મંચ પરથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સની શરૂઆત થઈ જતા હવે દેશ વિદેશના લોકો સીધા જ અહીં વેપાર કરવા આવશે. વિદેશી વેપારીઓની અવરજવર પણ હવે અહીં સીધી વધી જશે. ત્યારે આવા દેશોના વેપારીઓની સ્થાનિક ભાષા સાથે ટ્રાન્સલેટની માગ પણ વધી જશે. તો હું મુખ્યમંત્રીને સુજાવ કરવા માગું છું કે, અહીંની નર્મદ યુનિવર્સિટીમાં જુદી જુદી ભાષા માટે ઇન્ટરપ્રેટેડ તૈયાર કરે. અહીંના જ યુવાઓને દુનિયાની જુદી જુદી ભાષાઓ માટે ઇન્ટરપ્રિટેશન આવડે જેથી જુદા જુદા વ્યાપારીઓ અહીં આવે ત્યારે યુવા પેઢીઓને ઇન્ટરપ્રિટેડનું મોટું કામ મળી શકે. ત્યારે હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં નર્મદ યુનિવર્સિટી કે અન્ય કોઈ યુનિવર્સિટી અહીં લેંગ્વેજ ઇન્ટરપ્રિટેડનો કોર્સ શરૂ કરવામાં આવશે.
સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદ યુનિવર્સિટી ખાતે વિદેશી ભાષાઓના કોર્સ શરૂ કરવાની ટકોર કરાયા બાદ તાત્કાલિક યુનિવર્સિટી તંત્ર એક્શનમાં આવી ગયું હતું. યુનિવર્સિટી દ્વારા દુભાષિયા કોર્ષ શરૂ કરવા એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટની બેઠક બોલાવી હતી. જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા અને કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. જેમાં વિદેશી ભાષા જેવી કે ફ્રેન્ચ, જર્મન, જાપાનીસ અને ચાઈનીઝ ભાષાઓના સ્નાતક, અનુસ્નાતક અને સર્ટિફિકેટ કોર્સ કઈ રીતે શરૂ કરવા તે સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.