પ્રજાના ખિસ્સામાંથી ટેકસ વસૂલી કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં રસ્તાઓ બની રહ્યા છે પરંતુ નર્યો ભ્રષ્ટાચાર જ ચાલતો હોય તેમ સમય મર્યાદા પૂર્વ જ રસ્તાઓ તૂટી જાય છે, ભાવનગર મહાપાલિકાએ શહેરના આવા ૧૧ રસ્તાઓને હવે એજન્સી પાસે રીપેરીંગ કરાવા કવાયત હાથ ધરી છે.
રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે પરંતુ થોડા સમયમાં જ રોડ હતા ન હતા થઈ જતા હોય છે. જે ભ્રષ્ટાચાર પુરવાર કરે છે, શહેરમાં ૧૧ રોડ ડિફેક્ટ લાઇબલીટીમાં તૂટી ગયા હતા.
દર વર્ષે કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટ રોડ પાછળ ખર્ચ કરવા છતાં થોડા સમયમાં તૂટી ગયેલા રોડને કારણે વાહન ચાલકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. રોડની ડિફેક્ટ લાઇબલિટી સામાન્યતઃ ત્રણ વર્ષની હોય છે. પરંતુ તે પહેલા જ રોડ તૂટી જવાની ફરિયાદ હોય છે. તે કોર્પોરેશનને પણ નજરમાં આવતા એજન્સી પાસે તેના ખર્ચે તેનું રીપેરીંગ કરાવ્યું છે.
ભાવનગરમાં હિલપાર્ક ચોકડી થી શાંતિલાલ શાહ કોલેજ સુધી પેવર રોડ, સંસ્કાર મંડળથી રામમંત્ર મંદિર સુધી આરસીસી રોડ, ઘોઘા સર્કલ યુનિયન બેન્ક વાળો આરસીસી રોડ, સરદાર નગર ગુરુકુળ સ્કૂલની પાછળની ગોળાઈ વાળો આરસીસી રોડ, શાસ્ત્રીનગરમાં હાઉસિંગ બોર્ડ થી અક્ષરદીપ કોમ્પ્લેક્સ વાળો પેવર રોડ, ગઠેચી રોડ એસબીઆઇ બેન્ક થી જવાહર નગર ફાટક સુધી, લાખાવાડ ૫૦ વારિયા પ્લોટના જાહેર રસ્તાઓ, ભોળાનાથ સોસાયટી તથા તેના મુખ્ય રસ્તા, ક્રિષ્ના સોસાયટીના આંતરિક રસ્તા, ઘોઘા સર્કલ થી વૃદ્ધાશ્રમ વાળો ખાચો, બ્લડ બેન્ક વાળો રસ્તો અને નીલમબાગ સર્કલ થી કાળા નાળા સર્કલ સુધી પેવર રોડ બનાવ્યાના ત્રણ વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ તૂટી ગયા હતા. જેથી રોડ વિભાગ દ્વારા એજન્સીઓના ખર્ચે રોડ રીપેરીંગ કરાવ્યા હતા. નબળી ગુણવત્તાનું કામ ઓમ કન્સ્ટ્રક્શન, ઓમ ઇન્ફ્રા., વિશ્વજીત અને પૃથ્વી એજન્સીના છે. જે રોડનું રીપેરીંગ કરવામાં આવ્યું છે.





