શેરબજાર માટે વર્તમાન કેલેન્ડર વર્ષ 2023નો અંતિમ મહિનો-ડિસેમ્બર એતિહાસિક અને રેકોર્ડબ્રેક બની રહ્યો છે. રોજેરોજ નવા નવા રેકોર્ડ સર્જાઇ રહ્યા છે. સેન્સેકસ આજે 70913 તથા નિફટીએ 21593ની નવી ઉંચાઇ બનાવી હતી. આ સાથે ચાલુ વર્ષે નિફટીમાં ઇન્વેસ્ટરોને 18 ટકાનું ભાડુ રીટર્ન મળ્યું છે.
નિફ્ટીએ મજબૂત રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. 8 ડિસેમ્બરે જ તે 21000 પોઈન્ટનું સ્તર વટાવી ગયું હતું અને હવે તે 22000 હજાર તરફ આગળ વધી રહ્યું છે. ચાલુ વર્ષમાં નિફ્ટીમાં 2900 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 30 ડિસેમ્બર 2022ના રોજ તે 18,105ના સ્તરે હતો.
આ સમયગાળા દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છતાં નિફ્ટીએ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 18 ટકાનો સારો નફો આપ્યો છે. છેલ્લા મહિનામાં જ નવ ટકાનો નફો થયો છે. એટલું જ નહીં નિફ્ટીની માર્કેટ મૂડી પણ 4.28 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. નિફ્ટીની સાથે સેન્સેક્સે પણ રોકાણકારો માટે બમ્પર કમાણી કરી છે. આ વર્ષે ઇજઊની માર્કેટ મૂડીમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે, જે 350 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયો છે. 30 ડિસેમ્બર, 2022ના રોજ તે રૂ. 282.38 લાખ કરોડ હતો, જે 8 ડિસેમ્બર, 2023ના રોજ વધીને રૂ. 348.84 લાખ કરોડ થઈ ગયો. આ વર્ષે માર્કેટ મૂડીમાં રૂ. 66,46,363.67 કરોડનો વધારો થયો છે.
ભારતના બંને સૂચકાંકો વૈશ્વિક બજાર પર વર્ચસ્વ જાળવી રાખે છે અને નિફ્ટી ચોથા સ્થાને પહોંચી ગયો છે અને વળતરની દ્રષ્ટિએ સેન્સેક્સ પાંચમા સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ સ્થાને અમેરિકન નાસ્ડેક છે જેણે આ વર્ષે લગભગ 38.06 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે જાપાનના નેક્કાઈએ 25.63 ટકાનું વળતર આપ્યું છે. વર્ષ 2024માં ભારતીય શેરબજાર 10 ટકા વધશે. એક નિષ્ણાંત અનુસાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ રોકાણકારોએ કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી યથાવત રહેવાની ધારણા રાખી છે. સ્થિર સરકારના કારણે વેપારમાં તેજીના અનુમાન છે.