કેરળ બાદ ગુજરાતમાં પણ કોરોનાનાં નવા વેરિએન્ટના શંકાસ્પદ કેસ નોંધાયા છે આથી રાજ્યના ચાર મોટા મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રેપીડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ તહેનાત કરી દેવામાં આવ્યા છે. ડોક્ટરોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોનાના નવા વેરિએન્ટ સામે લડવા સજ્જ છે. મહત્વનું છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. રાજકોટ શહેરમાં હજુ સુધી કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ મનપાનો આરોગ્ય વિભાગ અત્યારથી જ સજ્જ બન્યો છે અને મનપા સંચાલિત તમામ આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. સુરત પાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને હોસ્પિટલોમાં કોવિડના કેસને લઈ તમામ તૈયારીઓ કરી દેવા સુચના આપવામાં આવી છે. વિશેષરૂપમાં ટેસ્ટીંગ અને ઓક્સિજન વગેરેની પૂર્તતા ચકાસી લેવા જણાવાયું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલમાં કોઈ પોઝીટીવ દર્દી મળ્યું નથી, પરંતુ નિયમિત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.