અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે શહેર પોલીસ દ્વારા કરવામાં આવતા તોડકાંડ હોય કે ધાકધમકી જેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત શહેર પોલીસ વિવાદમાં આવી છે. શહેરની પોલીસ તપાસ એજન્સીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ વિરુદ્ધ શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં ખુદ પોલીસ જ દારૂના નશામાં ચિક્કાર થઇને રસ્તે અવરજવર કરતા લોકોને હેરાન પરેશાન તેમ જ ધાક ધમકી આપી વિકૃત આનંદ લેતા વાયરલ વીડિયોમાં જોવા મળે છે.
મોડી રાત્રે ઘરે પરત ફરી રહેલા લોકોને પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ કેનાલ પાસે કેટલાક શકસો દારૂના નશામાં હોય અને દંડ લાકડી અને તલવાર બતાવીને ધમકાવી રહ્યા હતા. તદુપરાંત રસ્તેથી નીકળતા લોકોને પોલીસમાં છીએ, દારૂની પાર્ટી ચાલી રહી છે, ખ્યાલ નથી, અહીંથી નીકળવાનું નહીં” કહીને માર મારવાની ધમકી આપવામાં આવતી હતી. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાંથી એક વિડિયોમાં તો નશામાં લથડિયાં ખાતા યુવકને બે લોકો લઈને જઈ રહ્યા હોય એવું નજરે પડી રહ્યું છે.
સમગ્ર મામલે બે યુવકો દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપવામાં આવી છે. જેમાં દારુના નશામાં પોલીસકર્મીઓ દ્વારા રસ્તા પર જતા લોકો સાથે તલવાર બતાવીને ધમકી આપતા હોવાની અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે હાર્દિકભાઇ ભરવાડ તેમના મિત્ર જીગર અને અન્ય મિત્રો સાથે કામઅર્થે રીંગરોડ પર ગયા હતા. જે બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રામોલ કેનાલ પાસે ચારથી પાંચ લોકો દ્વારા બાઈક રોકવામાં આવી હોય છે અને કહેવામાં આવ્યું કે “અમે અમદાવાદ એસઓજી ક્રાઇમમાં પોલીસવાળા છીએ એમ કહીને તલવાર બતાવી, અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો” એવો ઉલ્લેખ છે.
આ સંદર્ભમાં યુવકો દ્વારા રામોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને સમગ્ર ઘટનાક્રમની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ તમામ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં એસઓજી ક્રાઇમના કિરણસિંહ અને અન્ય 2 પોલીસ કર્મચારીઓ હાજર હતા. ઘટના અંગે રામોલ પીઆઇનું કહેવું છે કે અમે અરજદારને ફરીથી બોલાવ્યા છે, પરંતુ તેઓ આવ્યા નથી અને તેઓ ફરિયાદ આપવા માંગતા હશે તો ફરિયાદ લઇશુ. હાલમાં અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.