જેટકોમાં વિદ્યુત સહાયક ભરતી રદ્દ થવાનો વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેટકોના HR વિભાગના અધિકારીની બદલી જીસેકમાં કરાઈ છે. આ સાથે 12 અધિકારીઓ અને ઈજનેરોને શો કોઝ નોટિસ અપાઈ. નોંધનિય છે કે, જેટકોના અધિકારીઓ, ઈજનેરોની ભૂલના કારણે ઉમેદવારોને ભોગવવું પડ્યું છે. આ પહેલા જેટકોએ વિદ્યુતસહાયક ભરતી રદ્દ કરી દેતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ થવા મામલે ઉમેદવારો હવે આકરા પાણીએ છે. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું GETCOની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી છે.