ગાંધીનગરમાં બનાવેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી – ગિફ્ટ સિટી ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને ગુજરાત સરકાર દ્વારા લિકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે.
રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગિફ્ટ સિટીએ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજીનું હબ છે, જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેક્નિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઈન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે
આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારી, માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આવી ‘વાઈન એન્ડ ડાઇન’ આપતી ગિફ્ટ સિટીની હોટલ્સ, રેસ્ટોરાં ક્લબમાં લિકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની, જેને ઓથોરાઇઝ કેર તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીઓની હાજરીમાં લિકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.
ગિફ્ટ સિટીમાં હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઇન ફેસિલિટી, એટલે કે એફ.એલ.3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટલ, ક્લબ, રેસ્ટોરાંમાં લિકરનું સેવન કરી શકશે, પરંતુ હોટલ, ક્લબ કે રેસ્ટોરાંમાંથી લિકરની બોટલનું વેચાણ કરી શકશે નહીં.