ભાવનગરમાં ૨૫ માર્ચ ૨૦૨૧થી રેસીડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા કાર્યદક્ષ અધિકારી બી.જે. પટેલની બદલી થઈ છે, તેઓને વડોદરા ઝોનમાં એડિશનલ ઇન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન તરીકે નિયુક્ત કરાયા છે. ભાવનગરમાં તેમના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાનના બે જાહેર કાર્યક્રમ તેમજ મહામહિમ રાષ્ટ્રપતિનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ફરજ બજાવવાની તક મળેલ. સૌજન્યપૂર્ણ અને સરળ સ્વભાવના અધિકારીની પણ છાપ ધરાવે છે. તેઓ સંભવત મંગળવારે ભાવનગરથી ચાર્જ છોડી નવી જગ્યાએ હાજર થશે.
ભાવનગરમાં એડિશનલ કલેક્ટર બી.જે. પટેલની બદલીથી ખાલી પડતી જગ્યા પર એન.ડી. ગોવાણીને મૂકવામાં આવ્યા છે. જેઓ અગાઉ ભાવનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર (એડમીન) તરીકે સવા બે વર્ષ ફરજ બજાવી ચુક્યા છે. આમ તેઓ ભાવનગર શહેરની ભૂગોળ અને અહીંના લોકો તેમજ અધિકારી પાંખથી સંપૂર્ણ રીતે પરિચીત છે. છેલ્લે તેઓ જામનગર જિલ્લામાં લાલપુરના પ્રાંત અધિકારી તરીકે ફરજરત હતા. બઢતી બાદ તેમને ભાવનગરમાં એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. સંભવત ૨૬મીને મંગળવારે તેઓ ભાવનગર આવી ચાર્જ સંભાળી લેશે.
અંકિતા પરમાર ડેવલોપીંગ કાસ્ટ વેલફેરના ડાયરેક્ટર નિમાયા
ભાવનગરમાં સિટી મામલતદાર તરીકે યાદગાર કામગીરી કરી ચુકેલા અંકિતાબેન પરમારને ડેવલોપીંગ કાસ્ટ વેલફેરમાં ડાયરેક્ટર તરીકે નિમણૂંક અપાઇ છે. તેઓની કચેરી ગાંધીનગર રહેશે અને કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રહેશે તેમ જાણવા મળ્યું છે.
રિજનલ કમિશનર કચેરીમાં એડિશનલ કલેક્ટર પદે ડી.એન. સતાણી મુકાયા
ભાવનગરમાં કાર્યરત રિજનલ કમિશનર ઓફ મ્યુનિસીપલ કચેરીમાં એડિશનલ કલેક્ટર તરીકે ડી.એન. સતાણી મુકાયા છે. છેલ્લે તેઓ બોટાદમાં ફરજ પર હતા અને બઢતી બાદ પોસ્ટીંગ માટે વેઇટીંગમાં હતાં. ઉલ્લેખનીય છે કે, રિજનલ કમિશનર કચેરીમાં એડિશનલ કલેક્ટરનો ચાર્જ ભાવનગરના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર બી.જે. પટેલને સોંપાયો હતો. તેમની બદલી થતા ખાલી પડેલી જગ્યા પર ડી.એન. સતાણીની નિયુÂક્ત કરવામાં આવી છે.