ભાવનગરનાં પ્રિન્સીપાલ ફેમીલી જજ સમક્ષ ભરણપોષણનો કેસ ચાલી જતા ભરણપોષણના હુકમ મુજબ પતિએ પત્નીને ચડત ભરણપોષણ પેટેની રકમ રૂ. ૧,૪૮ લાખ નહી ચૂકવી આપતા પતિને ડીફોલ્ટ પેટે ૩૭૦ દિવસની સાદી કેદની સજા ફેમીલી જજએ ફટકારેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરનાં તિલકનગર વિસ્તારનાં દેવી પૂજક વાસમાં રહેતા રમણીકભાઈ માધાભાઈ મકવાણાની પુત્રી ઇલાબેનને સાવરકુંડલાનાં રાજુભાઈ બધાભાઈ પરમાર સાથે સાતેક વર્ષ પહેલા લગ્ન થયેલા અને તે લગ્ન જીવનથી બે સંતાનો થયેલા બંને સંતાનો અવસાન પામેલ. લગ્ન દરમ્યાન અરજદાર – પત્ની ઇલાબેન રાજુભાઈ પરમારને તેમના પતિ તથા તેણીના સાસરિયા પક્ષ તરફથી અવાર નવાર માનસિક – શારીરિક ત્રાસ આપતા અને ૨૦૧૯ની સાલમાં ઇલાબેનને તેણીના પતિ રાજુભાઈએ પેહેરેલ કપડે ઘરની બહાર કાઢી મુકેલ અને ઇલાબેને ભાવનગરની ફેમીલી કોર્ટમાં ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૧૨૫ અન્વયે ભરણ પોષણ મેળવવા અરજી દાખલ કરેલ અને તે અરજી ફેમીલી કોર્ટમાં ચાલી જતા નામદાર ફેમીલી કોર્ટ ભરણપોષણ પેટે માસિક રૂ. ૪૦૦૦/- પત્નીને પતિએ ચૂકવવાનો હુકમ કરેલ.
ત્યારબાદ પતિએ ફેમીલી કોર્ટના હુકમનું પાલન નહી કરતા પત્નીએ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ – ૧૨૫ (૩) અન્વયે ૩૭ માસની ચડત ભરણપોષણની રકમ રૂ. ૧,૪૮ લાખ મેળવવા તેમના વકીલ વિપુલ અજવાળિયા મારફત અરજી દાખલ કરેલ જેનો પરચુરણ ફોજદારી અરજી ૧૦૩/૨૦૨૩ પડેલ અને પતિએ રૂ. ૧,૪૮,૦૦૦/- અરજદાર ને નહિ ચુકવી આપતા ડીફોલ્ટ પેટે ૩૭૦ દિવસની સાદી કેદની સજા ફેમીલી કોર્ટનાં જજ મમતાબેન ચૌહાણે ફટકારેલ છે.